ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના આચાર્ય ડો. જે. આર. વાંઝાની પ્રેરણાથી ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ વાર્ષિકોત્સવ ત્રિવિધ કાર્યક્રમોથી સંપન્ન કરવામાં આવ્યો જેમાં જુદી જુદી પ્રવૃત્તિમાં વિજેતા થયેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું શીલ્ડ તથા પ્રમાણપત્ર દ્વારા સન્માન, અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
જુદી જુદી કોલેજના આચાર્યશ્રીઓ તથા આ કાર્યક્રમના અધ્યક્ષ બહાઉદીન સરકારી કોલેજના આચાર્ય ડો.આર.પી. ભટ્ટનું તથા આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. આ કોલેજના આચાર્યએ અતિથિઓનું શાબ્દિક સ્વાગત કર્યુ તેમજ સમગ્ર કાર્યક્રમની સંક્ષેપમાં રૂપરેખા પ્રસ્તુત કરી. તેમણે કીડીની ગતિવિધિનું ઉદાહરણ આપી વિદ્યાર્થીઓને તનતોડ મહેનત કરવાની પ્રેરણા આપી હતી તથા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ વર્ષ દરમિયાન થતી પ્રવૃત્તિઓમાં વિજેતા વિદ્યાર્થીઓને તથા વિશેષ ઉપલબ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી બધાને મંત્રમુગ્ધ કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન કો-ઓર્ડીનેટર ડો. આલોક વાઘેલા તથા સમગ્ર સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યું હતું.



