ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જુનાગઢ પોલીસ ભરતીમાં આવતા 38 હજાર તાલીમાર્થીઓને સમર્થશ્રી પ.પૂ. પ્રાગદાસ બાપા ગોદડિયાની રામવાડી-1 અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા 45 દિવસ સુધી નિશુલ્ક ભોજન કરાવ્યું. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા.8 જાન્યુઆરી થી 1 માર્ચ દરમ્યાન યોજાયેલ ભરતી પ્રકીયા અંતર્ગત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી જૂનાગઢના મુખ્ય પરેડ ગ્રાઉન્ડ બીલખા રોડ ખાતે રાખવામાં આવેલ હતી. જેમાં આ ભરતી પ્રકીયા દરમ્યાન ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટ, જેવા જીલ્લાઓનાં તાલીમાર્થીઓને પોલીસ તાલીમ મહાવિધાલય ખાતે રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. ત્યારે રાત્રિ રોકાણની વ્યવસ્થા તો સરકારી બેરેકોમાં થઈ ગઈ હતી, પરંતુ આ બીજા જિલ્લાઓમાંથી ભરતી અર્થે આવેલ તાલીમાર્થીઓએ ભોજનની વ્યવસ્થા જાતે કરવાની હતી, ત્યારે સમર્થશ્રી પરમ પૂજ્ય પ્રાગદાસ બાપા ગોદડિયાની રામવાડી-1 અન્નક્ષેત્ર ટ્રસ્ટ આ ઉમેદવારોની વ્હારે આવી અને વેસ્ટર્ન એગ્રી સિડ્સ લિમિટેડ – ગાંધીનગરના સહયોગથી દરરોજના 800 – 900 તાલીમાર્થીઓને ભોજન પૂરૂં પાડીને અત્યાર સુધીમાં કુલ 38,000 તાલીમાર્થીઓને નિ:શુલ્ક શુધ્ધ અને સાત્વિક રાત્રિ ભોજન કરાવીને સેવાકાર્યમાં સહભાગી થયેલ ત્યારે જે સેવાકાર્યને આવકારી જુનાગઢ આઈજીપી નિલેશ જાજડિયા દ્વારા સંસ્થાના દરેક સ્વયંસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ પોલીસ ભરતીમાં આવેલાં તાલીમાર્થીઓને 45 દિવસમાં 38,000ને નિ:શુલ્ક ભોજન કરાવ્યું



