જિલ્લામાં પ્રથમ દિવસે શાંતિપૂર્ણ પરીક્ષા, એક પણ કોપી કેસ નહીં
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
જૂનાગઢ જિલ્લામાં ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો છે, પ્રથમ દિવસે એકપણ કોપીકેસની કે ગેરરીતીની ઘટના સામે આવી નથી, ધોરણ-10 અને ધોરણ-12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ 737 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં ધોરણ-10 માટે કુલ 24391 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે, જેમના માટે જૂનાગઢ અને કેશોદ એમ બે ઝોનમાં 23 પરીક્ષા સ્થળોએ 853 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પ્રથમ દિવસે ગુજરાતી વિષયનો પેપર હતો, જેમાં કુલ નોંધાયેલા 19899 વિદ્યાર્થી પૈકી 612 વિદ્યાર્થી ગેરહાજર તો 19287 વિદ્યાર્થી હાજર રહ્યા હતા, આજે એકપણ કોપી કેસ થયેલ નથી તો ધોરણ-12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ 13528 વિદ્યાર્થી નોધાયેલા છે, જેમાં 15 પરીક્ષા કેન્દ્રો ઉપર 479 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જયારે વિજ્ઞાન પ્રવાહમાં 2694 વિદ્યાર્થી પૈકી 16 ગેરહાજર અને 2678 વિદ્યાથીએ પરીક્ષા આપી હતી. પ્રથમ દિવસે જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયા અને જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય દ્વારા શાળામાં પરીક્ષાર્થીઓનું ફૂલોથી સ્વાગત કરીને બેસ્ટ ઓફ લક કહીને સારી રીતે પરીક્ષા આપવા અભિનંદન આપ્યા હતા. આજના પ્રથમ દિવસે એકપણ કોપીકેસ કે ગેરરીતીની ઘટના સામે આવી નથી.



