જય ગિરનારીના નાદ સાથે 4 લાખ શિવભક્તોએ મેળો માણ્યો
મહાશિવરાત્રી મેળામાં 100થી વધુ અન્નક્ષેત્રમાં હરિ હરનો સાદ
- Advertisement -
મેળાના ત્રીજા દિવસે તંત્રના તમામ વિભાગો ભાવિકો માટે ખડેપગે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
ગરવા ગિરનારની છત્રછાંયામાં આદિ અનાદિ કાળથી સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળામાં સનાતન ધર્મની ધ્વજા ફરકી રહી છે. અને જપ – તપ અને શિવભક્તિ સાથે ભવનાથ તળેટી શિવમય બન્યું છે. ચોતરફ હરિહરના નાદ સાથે 100થી વધુ અન્નક્ષેત્રો ધમધમી રહેલા જોવા મળી રહ્યા છે.જયારે આજે ત્રીજા દિવસે 4 લાખ જેટલા શિવભક્તોએ મહાશિવરાત્રીનો મેળો માણ્યો હોય તેવો અંદાજ લાગી રહ્યો છે મહાવદ નોમ થી શરુ થયેલ મેળામાં સતત માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. અને ગિરનારીનો સાદ પડ્યો તેમ ભવનાથ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. મહાશિવરાત્રી મેળો યુગો યુગોથી ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં યોજાય છે. ત્યારે પાંચ દિવસ સુધી ચાલનાર મેળામાં પ્રતિ વર્ષ 10 લાખ જેટલા શ્રદ્ધાળુ પધારે છે. અને શિવ ભક્તિમાં લિન જોવા મળે છે.આ 2025ના વર્ષમાં યોગનું યોગ પ્રયાગરાજ ખાતે પૂર્ણ મહાકુંભનો સંયોગ બન્યો છે ત્યારે જૂનાગઢ શિવરાત્રી મેળામાં સાધુ સંતોની પાંખી હાજરી જોવા મળી છે.તેમજ બપોરના સમયે આકરી ગરમીના લીધે ભાવિકોની ભીડ ઓછી જોવા મળી રહી છે.અને સાંજે અને રાત્રીના સમયે ભાવિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે ભાવિકોની સુખાકારી માટે વહીવટી તંત્રના તમામ વિભાગો ખડેપગે ઉભા રહીને ફરજ નિભાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર એ સંતો અને ભક્તોની ધરતી છે. તેમાં પણ ગિરનારનું અદકેરું સ્થાન છે.
તે ગરવા ગિરનારની ગોદમાં ભવનાથમાં દર વર્ષે યોજાતા મહાશિવરાત્રીનો ભવ્ય મેળામાં લાખો શ્રદ્ધાળુ પૂર્ણયનું ભાથું બાંધવા આવે છે. જયારે આ મેળામાં સૌરાષ્ટ્ર સિવાય સમગ્ર રાજ્ય અને અન્ય રાજ્યો માંથી ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો પધારે છે જેનું અનેરું મહત્વ ધરાવતા આ પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળામાં નાગા સંન્યાસી સાધુની રવેડીનું અનેરું મહત્વ ધરાવે છે.અને મહાશિવરાત્રીના દિવસે ખુબ મોટા પ્રમાણમાં ભાવિકોની ભીડ જોવા મળે છે અને શાહી સ્નાનનું પણ એટલુંજ મહત્વ ધરાવે છે. મહાશિવરાત્રીના મેળામાં સમગ્ર દેશમાંથી નાગા સંન્યાસીઓ આવતા હોય છે. જે મેળાનું એકમાત્ર આકર્ષણ ઊભુ કરે છે. શિવપુરાણ અને સનાતન ધર્મની પરંપરા અનુસાર નાગા સંન્યાસીઓને શિવના સૈનિક તરીકે પણ જોવામાં આવે છે. એવી લોકવાયકા પણ પ્રસિદ્ધ છે કે, મેળાના 5 દિવસ દરમિયાન ભગવાન શિવ સ્વયં નાગા સંન્યાસીના રૂપમાં ભવનાથમાં હાજર હોય છે. જેથી પણ મહાશિવરાત્રીનો આ મેળો સમગ્ર વિશ્વમાં અલગ તરી આવે છે. ત્યારે મહાશિવરાત્રીના મેળાને લઈને નાગા સંન્યાસીઓ દ્વારા ધુણા ધખાવવામાં આવી રહ્યા છે. મહાશિવરાત્રીના મેળામાં દૂરથી સાધુ સંતો અને વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરો જૂનાગઢ આવી પહોંચે છે અને સતત પાંચ દિવસ સુધી અહીં રહી ધૂણાઓ બનાવવામાં આવે છે. માટી અને ઈંટો દ્વારા આ ધુણાઓ બનાવવામાં આવે છે.ધુણામાં સતત અગ્નિ પ્રજ્વલિત રાખી અને અગ્નિદેવની સાક્ષીમાં શિવ આરાધના સતત પાંચ દિવસ સુધી કરતા રહે છે અને આ ધુણાની ભભૂતિ શરીર પર લગાવી અલખની હેલી જગાવે છે. તેમજ અહીં આવતા શ્રધ્ધાળુઓને ભભૂતિને પ્રસાદીરૂપે આપવામાં આવે છે અને લોકોનું કલ્યાણ થાય તે માટે સતત સાધુ સંતો પ્રાર્થના કરતા રહે છે. ધુણાએ સાધુ સંતોની ઓળખ છે અને ધુણામાં જ રસોઈ બનાવી અને ભોજન આરોગે છે. શિવરાત્રીનું સ્નાન પૂર્ણ કરી અને ધુણાનું વિસર્જન કરવામાં આવે છે.
- Advertisement -