સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
માણસની બુદ્ધિમતાની હજી કોઈ લિમિટ હોય છે પણ તેની મૂર્ખતાની નહી.
– આલ્બર્ટ આઈ્નસ્ટાઈન
- Advertisement -
આજે વાત કરવી છે એક અદ્ભુત ફિલ્મ કે જે મિત્રતા, પ્રેમ, બુદ્ધિમતા અને ભૂતકાળના દુ:ખ જેવી બાબતોને અદ્ભુતરીતે દર્શાવે છે. વાત થઈ રહી છે 1997માં આવેલી ’ ગુડ વિલ હન્ટિંગ ’ ની જેને ગસ વેન સેંટે દિગ્દર્શિત કરી છે અને તેમાં અભિનય કર્યો છે મેટ ડેમન, રોબિન વિલિયમ્સ, મીની ડ્રાઈવર અને બેન અફ્લેકે.
ફિલ્મની સ્ટોરી આમ તો સરળ છે. વિલ નામનો એક પ્રખર મેધાવી છોકરો સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હોય છે અને કોલેજના પ્રોફેસરને ગણિતમાં તેની રુચિ અને પ્રચંડ બુદ્ધિક્ષમતાની અચાનક જાણ થાય છે. વિલ સ્વભાવનો સાવ બરછટ હોવાને લીધે પ્રોફેસર લેમ્બો તેને પોતાના કોલેજના મિત્ર શોન મેગવાયર પાસે મોકલે છે કે જે એક મનોવિજ્ઞાનના પ્રોફેસર છે. આ દરમિયાન વિલ એક બારમાં સ્કાઇલર નામની છોકરી સાથે અફેર પણ શરૂ કરે છે. ફિલ્મની કથા આમ તો ખાસ્સી પ્રેડીક્ટેબલ છે પણ તેમાં આવતા પ્રસંગોની ગૂંથણી ફિલ્મને યાદગાર બનાવે છે. તેમાં આ લખનારને બહુ ગમતો એક પ્રસંગ કે જ્યારે પ્રોફેસર શોન વિલને કળા, રુચિ અને તેની પોતાની જાત વિશે સમજણ આપે છે તેનો અનુવાદ અહી આપેલો છે.
“તેથી જો મેં તને કલા વિશે પૂછ્યું હોત તો તે મારી સામે દરેક કલા વિશેના પુસ્તકની બારીકીઓ ધરી દીધી હોત. માઈકલએન્જેલો, તને તો એના વિશે ઘણી ખબર છે. (તેના) જીવન દરમિયાન કરેલું કામ, રાજકીય મહત્વાકાંક્ષાઓ, તેનાં પોપ સાથેના સંબંધો, જાતીય અભિગમ બરોબર? પણ હું શરત મારુ છું કે તું મને એ નહિ કહી શકે કે સીસ્ટિન ચેપલ(ચર્ચ) ની અંદર કેવું લાગે છે. તે હકીકતમાં ક્યારેય ત્યાં ઉભા રહીને અને ઊંચી નજર કરીને તે મનોરમ્ય છત નિહાળી નથી. (તે ચર્ચની છત પરના ચિત્રો માઈકલએન્જેલોએ બનાવ્યા છે.)
- Advertisement -
જો હું તને સ્ત્રીઓ વિશે પૂછું તો તું તારી માનીતી સ્ત્રીઓ વિશેનો મોટો ચોપડો બતાવીશ. તેમાંથી ઘણીઓને તે તારી સાથે સૂવડાવી પણ હશે. પણ તું મને કહી નહિ શકે કે એક સ્ત્રીની બાજુમાં (માત્ર સૂઈને નહિ પણ) ઉઠીને ખરેખર ખુશ થવું કેવું લાગે છે. તું એક અઘરો કેસ છો. અને હું તને યુદ્ધ વિશે પૂછું તો બને કે તું શેક્સપિયરને મારી સામે ફેંક,”તૂટે નહિ ત્યાં સુધી વધુ એકવાર વહાલા સાથીઓ.” પણ તું ક્યારેય એકેય યુદ્ધની નજીકેય ફરક્યો નથી, તે ક્યારેય તારા પરમમિત્રનું માથું તારા ખોળામાં રાખ્યું નથી, તેને પોતાનો છેલ્લો શ્વાસ લેતા, મદદ માટે તારી સામે મીટ માંડતાં જોયો નથી. જો હું તને પ્રેમ વિશે પૂછીશ તો તું મને સોનેટ કાવ્ય સંભળાવીશ. પણ તું ક્યારેય કોઈ છોકરીની સામે જોઇને (તેની નજરોથી) લાચાર નહિ થઈ ગયો હોય. એવી કોઈ છોકરીને નહિ જાણતો હોય જે પોતાની આંખોથી તને તોળી શકે, એવું લાગે કે જાણે ભગવાને ખાલી તમારા માટે પૃથ્વી પર કોઈ પરી મૂકી હોય જે તમને નરકની ગર્તામાંથી પણ બચાવી શકે. અને તું એ પણ નહિ જાણતો હોય કે તેના માટે ફરિશ્તા બનવું કેવું લાગે છે, (તે) સ્ત્રીને એવો પ્રેમ કરવો, સદાય તેની સાથે રહેવું, કોઈપણ સ્થિતીમાં, કેન્સરમાં પણ. અને તું એ જાણતો નથી કે એ અનુભવ કેવો હોય જ્યારે બે મહિના સુધી હોસ્પિટલમાં તમે બેઠા-બેઠા સૂઈ જતાં હોય, તેનો હાથ પકડીને કારણ કે ડોક્ટરને તમારી આંખમાં વંચાતું હોય કે “મુલાકાતનો સમય” શબ્દો તમારા માટે નથી.
તું જાણતો નથી કે સાચી ખોટ શું છે કારણ કે એ ત્યારે જ વર્તાય છે જ્યારે તમે કોઈ વ્યક્તિને તમારી પોતાની જાત કરતાંય વધારે પ્રેમ કર્યો હોય. અને મને શક છે કે તે ક્યારેય કોઈ વ્યક્તિને એટલો પ્રેમ કર્યો હોય. અને પોતાની સામે જો….મને તું કોઈ બુદ્ધિશાળી, આત્મવિશ્વાસથી ભરપૂર માણસ નથી લાગતો….મને તો તું એક ઘમંડી, કાયર એવો છોકરો લાગે છે. પણ તું પ્રચંડ બુદ્ધિપ્રતિભા ધરાવે છે, વિલ. તેની કોઈ ના નથી પાડતું. કોઈપણ તારા ઊંડાણને પામી શકે તેમ નથી. પણ તું મારા વિશે બધું જાણતો હોવાનું ધારી લે છે કારણ કે તે મારી એક પેઇન્ટિંગ જોઈ અને તે મારા સૂકા પાંદડા જેવા જીવનને કચડી નાખ્યું. તું એક અનાથ છો, સાચુ?”
પ્રસ્થાન:
એવું કોઈ વિચક્ષણ મસ્તિષ્ક નહી હોય કે જેમાં થોડું પાગલપન ન હોય.
– એરિસ્ટોટલ



