ગુણવંતપુર અને ઈન્દ્રોઈ ખાતે વોટરશેડ યાત્રા યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.21
ગીર સોમનાથ જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ દ્વારા અમલી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના ડબલ્યુ.ડી.સી. 2.0 અંતર્ગત વેરાવળ તાલુકાના ગુણવંતપુર અને ઈન્દ્રોઈ ખાતે વોટરશેડ યાત્રા યોજાઈ હતી.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત ગુણવંતપુર ખાતે રૂ. રૂ.3.80.000ના ખર્ચે કપિલા નદીના ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ ગ્રામજનોને વોટરશેડ યોજના અંતર્ગત કરવાના થતાં કામો તેમજ કરેલા કામો વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકો માટે જળ સંચય, જળ સંગ્રહ તથા પર્યાવરણ બચાવવા અંગેની જાગૃત્તિ લાવવા ચિત્ર સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
- Advertisement -
આ તકે, ગ્રામ્યકક્ષાએ જળ સંચય અને પર્યાવરણ બચાવવા અંગેની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ખેડૂતોને પ્રમાણપત્ર એનાયત કરીને બિરદાવવામાં આવ્યા હતા. “વોટરશેડ યાત્રા”ની વાનમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ઠઉઈ-2.0 દ્વારા જળસંચય, જળસંગ્રહની ફિલ્મનું પ્રદર્શન નિહાળ્યું હતું.
વોટરશેડ યાત્રામાં લુંભા, મંડોર, કોડિદ્રા, ભેટાળી, પંડવા સહિત આસપાસના ગામના સરપંચશ્રી, તાલુકા તેમજ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, ખેડૂતો, જળસ્ત્રાવ વિકાસ એકમના અધિકારી અને કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ જમીન અને જળ સંરક્ષણની પ્રતિજ્ઞા લીધી હતી.