13 ચકરડી, 1 ટ્રક, 3 ટ્રેક્ટર અને 1 જનરેટર સીઝ, ખનીજ માફીયાઓમાં ફફડાટ
ખાસ-ખબર ન્યૂઝ 5ોરબંદર
રેવન્યુ વિભાગે પોરબંદર જિલ્લાના બાવળવાવ અને રાતડી ગામે ગેરકાયદેસર ચલાતી ખાણો પર દરોડા પાડીને 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન 13 ચકરડી, 1 ટ્રક અને 1 જનરેટર સહીતના સાધનો સીઝ કરવામાં આવ્યા હતા. મોઢવાડા-કેશવ રોડ પરથી ગેરકાયદેસર ખનીજ ભરેલ એક ટ્રક પણ જપ્ત કરવામાં આવી હતી. આ દરોડા જીલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણીની સૂચનાથી પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવના માર્ગદર્શન હેઠળ પોરબંદર ગ્રામ્ય મામલતદાર મારૂ તથા તેમની ટીમ દ્વારા 17 અને 18 ફેબ્રુઆરી દરમિયાન પોરબંદર તાલુકાના અલગ-અલગ વિસ્તારોમાં આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. બાવળવાવ ગામની હદમાં બિલ્ડીંગ લાઈમસ્ટોન ખનીજના અનધિકૃત ખોદકામવાળા સ્થળે તપાસણી હાથ ધરવામાં આવી હતી, જ્યાંથી 3 પથ્થર કટીંગ મશીનો જપ્ત કરવામાં આવી અને તે બગવદર પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવી હતી.
- Advertisement -
રાતડી ગામમાં બિલ્ડીંગ લાઈમસ્ટોન ખનીજના ગેરકાયદેસર ખોદકામવાળા જુદા-જુદા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાંથી 10 પથ્થર કટીંગ મશીનો, 3 ટ્રેક્ટર, 1 ટ્રક અને 1 જનરેટર મળી અંદાજીત 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલ સાધનો મિયાણી મરીન પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવ્યા છે. તેમજ મોઢવાડા-કેશવ રોડ પરથી પસાર થતા ખનીજ વહન કરતા વાહનોની તપાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં પથ્થર ભરેલ એક ડમ્પર પણ સીઝ કરી બગવદર પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, ગેરકાયદેસર ખાણકામ અંગે તપાસ ચાલુ રહેશે અને દોષિતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.