વાયરલ વિડીયોમાં પોલીસકર્મીના નામનો ઉલ્લેખ થતા બદલી કરાયાની આશંકા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા કોલસાનો કાળો કારોબારના લીધે અનેક કર્મચારીઓના તપેલા ચડાવ્યા છે. જેમાં કોલસાના આ ગેરકાયદે ધંધામાં કોઈ દૂધનું ધોયેલા નહીં હુવા છતાં એક બીજાના પર દોષના ટોપલા નાખી અંતે નાના કર્મચારીઓને બદલી કરી દેવામાં આવે છે. આ પ્રકારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મુળી તાલુકાના વાગડીયા ગામે ચાલતા ગેરકાયદે કોલસાના ખનન ના વિડિઓ અહીંના જાગૃત ગ્રામજન દ્વારા વાઇરલ કરાયો હતો જે વાયરલ વીડિયોમાં જાગૃત ગ્રામજન દ્વારા મૂળીના એક પોલીકર્મચારીનું વહીવટદાર તરીકે નામનો ઉલ્લેખ કરાયો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા જ જિલ્લા પોલીસ વડા ડો.ગીરીશકુમાર પંડ્યા દ્વારા તાત્કાલિક અસરથી મૂળી પોલીસ મથકમાં ફરજ નિભાવતા હિતેન્દ્રસિંહ ઝાલાની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરી દેવાઈ છે. જોકે હજુય આ બાબત પુષ્ટિ થતી નથી કે પોલીસકર્મી હિતેન્દ્રસિંહ ઝાલાની બદલી આ વાઇરલ વિડીયોના લીધે થઈ છે કે બીજું કોઈ કારણ છે ? પરંતુ હાલ આ વાયરલ વીડિયોના આધારે પોલીસકર્મીની બદલી થઈ હોય તેવી ચર્ચા ચારેકોર ચાલી રહી છે.