ઘર-ઓફિસના કમ્પ્યૂટર-લેપટોપમાં વેબકેમેરા-ઈન્ટરનેટ હશે તેઓ આપી શકશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સહિત રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી ઘેરબેઠાં લર્નિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા ફેસલેસ એટલે કે ઘેરબેઠાં કરવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ હાલ ટ્રાન્સપોર્ટ વિભાગ આ સેવા માટેની ટેસ્ટિંગ પ્રક્રિયા કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે અને સંભવત આગામી માર્ચ માસથી આ સેવા લાગુ કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અગાઉ આ સેવા ફેબ્રુઆરીમાં શરૂ થવાની હતી, પરંતુ ટેસ્ટ કરવામાં વિલંબ થાય હવે માર્ચથી શરૂ કરવામાં આવી શકે છે. આ લર્નિંગ લાઇસન્સ માટે અરજદારે ઓનલાઇન પરીક્ષાના 15માંથી 9 પ્રશ્નના જવાબ સાચા આપવા પડશે તો જ પાસ ગણાશે અને તેને લર્નિંગ લાઇસન્સ મળશે. અરજદારોને ઘેર કે ઓફિસમાં કમ્પ્યૂટર કે લેપટોપ હોય, ઈન્ટરનેટ કનેક્ટિવિટી હોય, વેબકેમેરાની સુવિધા હોય તેઓ ઘેરબેઠાં આ પ્રક્રિયા કરી શકે છે. આગામી સમયમાં રાજ્યનું ટ્રાન્સપોર્ટ વિભાગ લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ ઘેરબેઠાં આપી શકે એવી સુવિધા ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યું છે.
જેના માટેના ખાસ સોફ્ટવેરનું ટેસ્ટિંગ હાલ ચાલી રહ્યું છે. હાલમાં લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે પોલિટેક્નિક કે પછી ઈંઝઈંમાં જવાનું હોય છે તે સિસ્ટમ આરટીઓમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. વ્યક્તિઓ ગમે ત્યાંથી ટેસ્ટ આપી શકે. આરટીઓના અધિકારીઓએ જણાવ્યું કે, બાયોમેટ્રિક્સ, ખાસ કરીને ચહેરાની ઓળખ, આધારકાર્ડ ડેટાનો ઉપયોગ કરીને આ નવી સિસ્ટમ હાથ ધરવામાં આવશે. ઘેરબેઠાં લર્નિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપવાની નવી સિસ્ટમ હજુ ગુજરાતમાં અમલી કરી નથી, પરંતુ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં આ પ્રકારે ટેસ્ટ લેવાની સિસ્ટમ ઘણા સમયથી અમલી કરી દેવામાં આવી છે. જો આધાર અપડેટ હશે તો ઓનલાઈન અરજી થશે અને ફેસલેસ ઘેરબેઠાં જ લાઇસન્સ બનાવી શકાશે જો આધારકાર્ડમાં એરર આવશે કે અન્ય કોઈ ટેક્નિકલ ખામી સર્જાય તો નોન ફેસલેસ અરજી કરી શકાશે. આ માટે રાજ્યભરની આરટીઓ કચેરીમાં નવા કમ્પ્યૂટર સેટ ફાળવવામાં આવ્યા છે અને કચેરીને પણ કેબલિંગ, ડેટા સહિતની કામગીરીની વ્યવસ્થા ચકાસી લેવા જણાવાયું છે.
ઘેરબેઠાં ટેસ્ટ ન આપવી હોય તો RTOમાં પણ ચાલુ રહેશે
જેની પાસે લેપટોપ, ઈન્ટરનેટ કનેક્ટિવી કે વેબ કેમેરાની સુવિધા ન હોય અને ઘેરબેઠાં ટેસ્ટ આપી શકે તેમ ન હોય તો આગામી દિવસોમાં આરટીઓમાં પણ લર્નિંગ ટેસ્ટ આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. લર્નિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપવા માટે હાલ લોકોએ આઈટીઆઈમાં રૂબરૂ જવું પડતું હોય છે પરંતુ આગામી દિવસોમાં ઘરબેઠા અને આરટીઓ કચેરીએ બંને રીતે લાઈસન્સ માટે ટેસ્ટ આપી શકાશે. જેથી લોકોનો સમય બચશે.