બાબરા જતી વખતે કારમાં આવેલા શખ્સે કેબિનમાં ઘુસી ટ્રકની ચાવી અને મોબાઈલ ઝૂંટવી લીધો
માલિયાસણ ચોકડી પાસે પોલીસને જોઈ ભાગવા જતાં કાર દિવાલ સાથે અથડાતા આરોપીને દબોચી લીધો
- Advertisement -
રોકડ ન મળતાં ઓનલાઈન સ્કેનરથી રૂપીયા પડાવી ધમકી આપી આરોપી નાસી છૂટ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
બેડી ચોકડી પાસેથી બિહારી ટ્રક ડ્રાઇવરનું અપહરણ કરી માર મારી છરીની અણીએ લૂંટ ચલાવી આરોપી પોલીસથી બચવા ભાગ્યો હતો પરંતુ માલિયાસણ ચોકડી પાસે વાહન ચેકીંગ કરી રહેલ પોલીસને જોઈ ભાગવા જતાં કાર દિવાલ સાથે અથડાતાં બી. ડિવિઝન પોલીસે આરોપીને સકાંજામા લઈ પૂછતાછ આદરી હતી.
બિહારના અરવાલ વિસ્તારમાં રહેતાં સતેન્દ્રકુમાર જીતન પાલ ઉ.28એ કાળા કલરની વર્ના કારમાં આવેલ અજાણ્યાં શખ્સ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લૂંટ, અપહરણ સહિતની કલમ હેઠળ નોંધવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અરિહંત શિપીંગ નામના ટ્રાન્સપોર્ટમાં છેલ્લા દસેક વર્ષથી ટ્રક ડ્રાઈવિંગ કરી ભારતના તમામ રાજ્યોમાં ટ્રક ચલાવે છે. ટ્રાન્સપોર્ટની મેઈન ઓફીસ ગાંધીધામમાં, અમદાવાદ, અને મુંદ્રામાં આવેલ છે ગત રાત્રિના ટ્રાન્સપોર્ટના માલીકે ગાંધીધામથી બાબરા રાધે શ્યામ કોટ નામના જીનીંગ મીલમાં કપાસ ભરવા માટે મોકલેલ હતો તે ટ્રક લઈ બાબરા જવા માટે રાત્રે નીકળેલ હતો સાડા દસેક વાગ્યાની આસપાસ રાજકોટ પહોંચ્યો હતો બેડી સર્કલથી બાયપાસ રસ્તે પુલ પરથી જતો હતો ત્યારે પુલ ઉતરતા એક કાળા કલરની નંબર પ્લેટ વગરની વર્ના કારે તેમના ટ્રકને ઓવરટેક કરેલ અને ટ્રકની આગળ ઉભી રાખી દિધેલ હતી જેથી તેને ટ્રક રોકતા કારમાંથી એક શખ્સ ઉતર્યો હતો અને ટ્રકની કેબીનમાં ચડી જઈ તે મારી કારમાં નુકસાન કરેલ છે તું મને પૈસા આપ પરંતુ તેમની કારમાં કોઈ નુકસાન કરેલ ના હોય જેથી પૈસા આપવાની મનાઈ કરતા તેણે નેફામાંથી છરી કાઢેલ અને ગળા પર રાખી કહેવા લાગેલ કે, ચુપચાપ પૈસા કાઢ નહીતર છરી મારી દઈશ તેમ કહી તેણે મોબાઈલ ફોન છીનવી લીધો હતો અને ખીસ્સા ફંફોળવા લાગેલ હતો.
પરંતુ ખીસ્સામાંથી પૈસા ના નિકળતા તેણે ફોનમાં ગુગલ પે ખોલી પાસવર્ડ માંગેલ, જેથી તેને પાસવર્ડ આપતા ખાતામાં 16200 રૂપિયા હોય જે રૂપિયા આપી દેવાનુ કહેતા ડરના લીધે હા પાડતાં તેણે ટ્રક સાઈડમાં રખાવી ટ્રકના દરવાજામાં લોક મરાવી ટ્રકની ચાવી અને મોબાઈલ ફોન લઈ તેણે બળજબરીથી તેની કારમાં બેસાડેલ અને માર માર્યો હતો અને કારમાં બેસાડી ત્રીસેક મિનીટ સુધી રાજકોટમાં ફેરવી ગ્રીનલેન્ડ ચોકડીથી શાપર તરફ જતા રોડ પર નાલા નીચેથી કાર લઈ નાલાથી થોડે દુર એક જગ્યાએ ફોન અને ટ્રકની ચાવી સાથે લઈ એક દુકાને ગયો હતો આરોપીએ ફરિયાદીના ફોન દ્વારા દુકાન પર ક્યુઆર સ્કેન કરી દુકાન વાળા પાસે પૈસા લઈ પરત આવેલ અને ફરીથી તે કારમાં રાજકોટમાં અલગ-અલગ જગ્યાએ ફેરવેલ હતો. યુવાને આરોપીને ટ્રક વાળી જગ્યાએ મુકી જવાનુ જણાવતા તેણે ઉંધી છરી ખંભા પાસે મારી ફડાકા ઝીંકી દિધેલ હતાં. બાદમાં આરોપી તેને ટ્રક પાસે લઈ ગયેલ અને ત્યાં પહોંચી ધમકી આપેલ કે, જો આ બાબતે કોઈને વાત કરીશ તો છરી ઝીંકી દઈશ તેમ કહી કારમાં ફરીથી માર મારી યુવાનને મોબાઈલ ફોન તથા ટ્રકની ચાવી આપી નાશી છૂટ્યો હતો. બાદમાં યુવાને તેમના શેઠને વાત કરી ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ આદરી હતી તે દરમ્યાન અપહરણ કરી ટ્રક ડ્રાઇવરને માર મારી લૂંટ ચલાવી નાસી છૂટનાર આરોપી કારમાં પોલિસથી બચવા માલિયાસણ ચોકડી તરફ જતો હતો ત્યારે ત્યાં વાહન ચેકીંગમાં રહેલ પોલીસને જોઈ કાર ભગાડતાં હાઈવે પર કાર પરનો કાબૂ ગુમાવતાં કાર સાઈડમાં ઉતરી જઈ દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી તેમનો પિછો કરતી પોલીસ ઘટનાસ્થળે પહોંચતા આરોપીને અટકમાં લીધો હતો આરોપીની અટકાયત કરી પૂછપરછ કરતાં તેને અપહરણ, લૂંટના બનાવની કબુલાત આપતાં પોલીસે તેને સકંજામાં લઈ વધું પૂછતાછ આદરી હતી.