ખાસ-ખબર ન્યૂઝ કિવ, તા.15
ગુરુવારે રાત્રે યુક્રેનના ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે ગુરુવારે મોડીરાત્રે વિસ્ફોટકોથી સજ્જ એક રશિયન ડ્રોને ચેર્નોબિલ પ્લાન્ટના કોંક્રીટ સેફ્ટી કવચ પર હુમલો કર્યો હતો. હુમલામાં આ બખ્તરને નુકસાન થયું છે.
ઝેલેન્સકીના મતે, આ હુમલો નાશ પામેલા પાવર રિએક્ટર નંબર 4 પર કરવામાં આવ્યો હતો. હુમલાને કારણે, ઇમારતમાં આગ લાગી હતી, જે બુઝાવી દેવામાં આવી છે. આ કોંક્રિટ કવચ 1986માં ચેર્નોબિલ વિસ્ફોટ પછી રેડિયેશનને રોકવા માટે બનાવવામાં આવ્યું હતું. આ સિવાય, અન્ય કોઈ નુકસાન કે રેડિયેશનના સ્તરમાં વધારો થવાના કોઈ સમાચાર નથી.
- Advertisement -
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં ચેર્નોબિલ પ્લાન્ટની ઇમારતમાંથી તેજસ્વી પ્રકાશ નીકળતો દેખાય છે. આ પછી આખું આકાશ ધુમાડાથી ભરાઈ જાય છે. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જીએ જણાવ્યું હતું કે યુક્રેનમાં સ્થાનિક સમય મુજબ સવારે 2 વાગ્યે હુમલો થયો હતો.
26 એપ્રિલ, 1986ના રોજ ચેર્નોબિલ પરમાણુ વીજ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો. અહીં કામ કરી રહેલા 32 કર્મચારીનાં મોત થયાં. સેંકડો કામદારો રેડિયેશનના સંપર્કમાં આવ્યા હતા. ત્યારે રશિયા નહીં, પણ સોવિયેત યુનિયન હતું.
આ વિસ્ફોટમાં કેટલા લોકો માર્યા ગયા એની ચોક્કસ સંખ્યા આજે જાણી શકાઈ નથી, જોકે પ્લાન્ટમાં થયેલી દુર્ઘટનામાંથી નીકળેલા રેડિયેશનનો ભોગ 50 લાખ લોકો બન્યા હતા. આના પરિણામે કેન્સર જેવા ગંભીર રોગોને કારણે 4,000થી વધુ લોકોનાં મૃત્યુ થયાં. સોવિયેત સંઘે હુમલાને છુપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્વીડિશ અહેવાલો સામે આવ્યા પછી તેમણે વિસ્ફોટની કબૂલાત કરી. સોવિયેત યુનિયનના વિઘટન પછી ચેર્નોબિલ યુક્રેનનો ભાગ બન્યો. યુક્રેનિયન રાષ્ટ્રપતિએ ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટના પાવર રિએક્ટર નંબર 4માં થયેલા વિસ્ફોટનો વીડિયો શેર કર્યો. રશિયાએ હજુ સુધી ઝેલેન્સ્કીના આરોપો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. યુક્રેનિયન રાષ્ટ્રપતિએ ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટના પાવર રિએક્ટર નંબર 4માં થયેલા વિસ્ફોટનો વીડિયો શેર કર્યો. રશિયાએ હજુ સુધી ઝેલેન્સ્કીના આરોપો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટમાં થયેલા અકસ્માત પછી બહાર નીકળેલું કિરણોત્સર્ગ બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર ફેંકાયેલા અણુબોમ્બ કરતાં 400 ગણું વધુ હતું. મોટા ભાગનો કાટમાળ ચેર્નોબિલની આસપાસના વિસ્તારોમાં પડ્યો હતો, જેમ કે યુક્રેન, બેલારુસ અને રશિયા. આ કિરણોત્સર્ગ પવન સાથે ઉત્તર અને પૂર્વી યુરોપમાં ફેલાયો.