રાજ્ય પોલીસવડાના પરિપત્ર બાદ રાજકોટ પોલીસ એક્શન મોડમાં
હેલમેટ વિના આવેલા 231 લોકો પાસેથી 1.19 લાખનો દંડ વસૂલાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યમાં વધતા જતા અકસ્માતને લઈ હાઈકોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં દ્રિચક્રી વાહન પર બેસનાર બંને વ્યક્તિઓ ફરજીયાત હેલ્મેટ પહેરવું અને કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે.
જેમાં સરકારી કચેરીઓમાં આવતા દ્રિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો તાજેતરમાં પરિપત્ર કરવામાં આવ્યો છે. તેમજ વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને વ્યક્તિઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. ત્યારે આજે હેલ્મેટ તથા સિટ બેલ્ટને લઈ પોલીસ દ્વારા ડ્રાઇવ શરુ કરવામાં આવી છે. જેમાં સરકારી કચેરી બહાર ટ્રાફિક નિયમોને લઇ હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર આવતા કર્મચારીઓ દંડાયા હતા. રાજકોટ ખાતે વિવિધ સરકારી કચેરીએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાત DGPના આદેશ બાદ આજથી જ કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
ડીસીપી ટ્રાફિક પૂજા યાદવની રાહબરીમાં રાજકોટની તમામ સરકારી કચેરીમાં સવારે સાડા દસ વાગ્યાથી બાર વાગ્યા સુધી સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં પોલીસ કમિશનર કચેરી, તમામ પોલીસ સ્ટેશન, બહુમાળી ભવન, કોર્પોરેશનની તમામ કચેરીઓ, કલેકટર કચેરી વગેરે સ્થળે ટ્રાફિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી હેલમેટ વિના આવેલા લોકોને પકડી પકડીને દંડ સહિતની કાર્યવાહી કરવાં આવી હતી.
- Advertisement -
શહેરની જુદી જુદી સરકારી કચેરી બહાર હેલમેટ પહેર્યા વિના આવેલા 231 વ્યક્તિઓ સામે કેસો કરી 1,18,500 દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ હેલમેટ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે.