ઘેડ પંથકમાં ચોમાસામાં સર્જાતી પૂરની સમસ્યા મુદ્દે 450 કરોડના ખર્ચે કામગીરી થશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
કેન્દ્રીય મંત્રી મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયાએ કેશોદ ખાતેથી જન સુખાકારી અને માળખાકીય સુવિધામાં વધારો કરતા રૂ.6.51 કરોડના 110 વિકાસકાર્યોનું લોકાર્પણ -ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ કેશોદ વિધાનસભા મતવિસ્તારના રૂ. 68.35 લાખના 19 વિકાસ કામોનું લોકાર્પણ તથા રૂ.5.82 કરોડના ખર્ચે નિર્મિત થનાર 91 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 25 વર્ષના શાસનકાળમાં પ્રાથમિક જરૂરિયાતો અને સુવિધાઓનો સંઘર્ષ પૂર્ણ થયો છે, એટલું જ નહીં રાજ્યની અવિરત વિકાસ યાત્રાથી ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.વીજળી, પાણી, આરોગ્ય સહિતની લોકોની જરૂરિયાતોને સંતોષી કેન્દ્ર રાજ્ય સરકાર ઉપર લોકોએ મુકેલા વિશ્વાસ પર ખરી ઉતરી છે. લોક માંગને ધ્યાને રાખી અને તેને પૂર્ણ કરવાની શક્યતાઓને તપાસી જવાબદારીપૂર્વક લોકોના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું છે.
- Advertisement -
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ઘેડ પંથકમાં જે પૂરની સમસ્યા હતી, તેના નિરાકરણ માટેની યોજના પણ બની ગઈ છે. આ વિસ્તારમાં નદી નાળા પહોળા કરવાની સાથે પાણીના યોગ્ય નિકાલ માટેનો પ્લાન બનાવવામાં આવ્યો છે. અંદાજે રૂ. 450 કરોડના ખર્ચે ઘેડ પંથકમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.