મનપાની વિકાસ વાટિકાને જોવા નગરજનો શોધવા નીકળે છે
વર્ષોથી ભૂગર્ભ ગટર યોજના હજુ સુધી ભૂગર્ભમાં જ ? શહેરની ફાટક લેસ યોજના હજુ સુધી વિકાસની રાહમાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
જૂનાગઢ શહેરમાં વીતેલા વર્ષોમાં થયેલ કામગીરી અને આવતા વર્ષોમાં થવાની કામગીરી બાબતે મનપા દ્વારા વિકાસ વાટિકા રજુ તો કરી પણ નગરજનો આ વિકાસ વાટિકા શોધવા નીકળે છે.જેમાં વર્ષોથી ચાલતી ભૂગર્ભ ગટર યોજના જાણે ભૂગર્ભ માંજ હોઈ તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે અને ગોકળગતિએ ચાલતી આ યોજના ક્યારે બંધ થશે તે શહેરીજનો રાહ જોઈને બેઠા છે.બીજી તરફ શહેરને ફાટક લેશ યોજના હજુ ક્યાં પોહચી તેનો જવાબ લોકો શોધી રહ્યા છે માત્ર જોશીપુરા ફાટક પર ઓવરબ્રિજ કામગીરી હજુ શરુ થશે પણ જયારે શહેરની માધ્યમથી પસાર થતી જૂનાગઢ – દેલવાડા રેલવેની મીટરગેજ લાઈનના ફાટક માંથી ક્યારે મુક્તિ મળશે તેની પણ લોકો રાહ જોઈને બેઠા છે. બીજી તરફ શહેર માંથી પસાર થતા વોકળા પર દબાણ કરીને મસ મોટી ઇમારતો સાથે નિયમની ઐસીતૈસી કરીને દબાણોના ખડકલા સામે અનેક ફરિયાદોનો હજુ નિકાલ થયો નથી માત્ર નોટીસ આપીને સંતોષ માનતી મનપા સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે એવામાં જૂનાગઢ મહાનગર પાલિકાના ગુમ થયેલા ટીપીઓ ગામીત અચાનક ગાયબ થયા બાદ તેની અચાનક બદલી ગાંધીનગર થઇ જતા તેની જગ્યા પર ગાંધીનગરથી નવ નિયુક્ત ટીપીઓ વિવેક કિરણ પારેખની નિયુક્તિ કરવામાં આવી છે પણ શહેરની વિકાસ વાટિકા જોઈને હાજર નહિ થતા હોઈ તેવા અનેક શહેરીજનોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે.
જૂનાગઢ મનપાના વિવાદસ્પદ ટીપીઓ બિપીન ગામીતની ગાંધીનગર ખાતે બદલી થઇ છે. ગાંધીનગરના અધિકારીની જુનાગઢ નિમણુંક થઇ છે. નિમણુંકને આઠ દિવસ થયા હોવા છતા: નવનિયુકત અધિકારી જૂનાગઢ મનપામાં હાજર ન થતા અનેક સવાલો ઉઠ્યા છે. નવનિયુક્ત ટીપીઓ સામે અનેક પડકારો છે. મહાનગરપાલિકામાં અગાઉ લોલમલોલ ચાલતુ હતુ. ભાજપના આગેવાનો સહિત અનેક નિયમ વિરૂઘ્ધ ખોટી બાંધકામ મંજૂરીઓ આપી દેવામાં આવી હતી, વોકળા ઉપરના દબાણોમાં વ્હાલા-દવલાની નિતિ અપનાવવામાં આવી હતી કડીયાવાડમાં જર્જરિત બાંધકામ ધરાશાયી થવા મુદ્દે બોગસ નોટિસ કાંડ સહિતના અનેક પ્રકરણમાં કમિશનર દ્વારા આકરૂ વલણ અપનાવવામાં આવી રહ્યુ છે. મનપાના ટીપીઓ ગામીતની રજા મંજૂર થઇ ન હોવા છતા રજા પર ચાલ્યા ગયા હતા. સરકારમાં કમિશનર દ્વારા ગામીત વિરૂઘ્ધ સમગ્ર મામલે રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ટીપીઓ ગામીતની ગત તા.26-12-24ના ગાંધીનગર ખાતે બદલી થઇ છે. તેની જગ્યાએ ગાંધીનગરના વિવેક કિરણ પારેખની સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવી છે. બદલી થયાને આઠ દિવસ થયા હોવા છતાં હજુ સુધી નવા ટીપીઓ મનપામાં હાજર થયા નથી. નવનિયુક્ત ટીપીઓ વિવેક કિરણ પારેખ સામે અનેક પડકારો છે. જેમાં ભાજપના આગેવાનોની ગેરકાયદેસર બાંધકામની મંજૂરીઓ રદ કરવાનો મુદ્દો, ગેરકાયદેસર બાંધકામો પર ડિમોલીશનની કાર્યવાહી સહિતની અનેક મહત્વની કામગીરી પડકારજનક છે. એક તફર સરકાર જુનાગઢને હવે ચોખ્ખુચણાક બનાવવા માંગે છે. હાલ મનપામાં વહિવટદારનું શાસન હોવાથી ચૂંટાયેલા નગરસેવકોનો કોઇ રોલ ન હોવાથી ફ્રી હેન્ડ કામગીરી થઇ રહી છે. જો નવનિયુક્ત અધિકારી સમયરસ હાજર થઇ જાય અને નિયમ મુજબ કોઇપણ જાતના રાજકીય દબાણ વગર કામગીરી કરે તો જૂનાગઢમાં અનેક સમસ્યાઓનું નિરાકરણ થઇ જાય તેમ છે પરંતુ નવનિયુક્ત અધિકારી શા માટે હાજર થતા નથી તેને લઇ અનેક સાવલો ઉઠી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે રીતે વિતેલા વર્ષોમાં કામગીરી કરવામાં આવી છે તેને લઇને જૂનાગઢ ઉચ્ચ અધિકારીથી છેક ગાંધીનગર ઉચ્ચકક્ષાએ અને મુખ્યમંત્રી સુધી ફરિયાદો ઉઠવા પામી છે. છતા પણ જૂનાગઢ શહેરમાં જે ગતિથી કામગીરી થવી જોઇએ તે રીતે કામગીરી થતી નથી. ત્યારે શહેરનો વિકાસ ઝંખતી પ્રજાને કયારે ખરા અર્થમાં સારી અને સ્પષ્ટ કામગીરી જોવા મળશે તેના પર અનેક ચર્ચાઓ ચાલી રહી છે.