રાજકોટમાં કેદીઓ દ્વારા બનતા અડદીયાની બમ્પર માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદીઓએ બનાવેલા ભજીયા જેટલા ફેમસ છે તેટલા જ અહીં બનતા અડદીયા પ્રખ્યાત છે. જેલ તંત્રના જણાવ્યા મુજબ શિયાળો જામતા અડદીયા બનાવવાનું શરૂ થયું અને શરૂઆતમાં જ 1400 કિલો અડદીયા બન્યા અને વેચાણ પણ ચાલુ છે.
આ અંગે જેલ તંત્રએ વધુમાં જણાવ્યું કે રાજકોટ જેલમાં ભજીયા-ફરસાણ, બેકરી, વણાટકામ, સુથારી કામ સહિતના ઉદ્યોગ યુનિટ આવેલા છે. જેમાં 70 કેદીઓ કામ કરે છે. અહીંના ફરસાણ વિભાગમાં ભજીયા અને અન્ય ફરસાણનો બારેમાસ બને છે સાથે શિયાળાની સિઝનમાં કેદીઓ અડદીયા પણ બનાવે છે. હાલ શિયાળો જામી ગયો છે. દિવસ દરમિયાન ગુલાબી ઠંડીનો માહોલ બન્યો છે.
અહીંના લોકોમાં આ સિઝનમાં અડદીયાની ખુબ માંગ રહે છે. જેથી રાજકોટ મધ્યસ્થ જેલમાં પણ અડદીયા બનાવવાનું ચાલુ થઇ ગયું છે. સિઝનની શરૂઆત થતા જ કેદીઓએ 1400 કિલો જેવા અડદીયા બનાવી લીધા છે. હજુ અડદીયા બનાવવાનું ચાલુ છે.
રાજકોટમાં મધ્યસ્થ જેલ ખાતે વેચાણ સ્ટોર પર અને કાલાવડ રોડ ખાતે એજી ચોકમાં જેલનો ભજીયા સ્ટોલ આવેલ છે ત્યાંથી આ અડદીયાનું વેચાણ થાય છે. સરકારી નિયમ મુજબ 10 ટકા જ નફાથી વેચાણ થાય છે. જેથી આ શુધ્ધ વસ્તુઓમાંથી બનેલા અડદીયા બજાર કરતા લોકોને રૂા. ર00 થી રપ0 જેટલા સસ્તા મળે છે. અહીં અડદીયાનો 1 કિલોનો ભાવ રૂા. 440 છે.



