રાજકોટ જિલ્લા પંચાયતની 2જીએ આરોગ્ય સમિતિની બેઠકમાં લેવાશે નિર્ણય
સોલાર સિસ્ટમનો ખર્ચ ધારાસભ્યો અને સાંસદોની ગ્રાન્ટમાંથી મેળવવા રજૂઆત કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લા પંચાયતમાં તા.2જીએ આરોગ્ય સમિતિની બેઠક બોલાવવામાં આવી છે જેમાં 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 12 સામૂહિક આરોગ્ય કેન્દ્રને વીજબિલ મુક્ત બનાવવા નિર્ણય કરવામાં આવનાર છે. જેના માટે ધારાસભ્યો અને સાંસદો પાસેથી ગ્રાન્ટ ફાળવવા અપીલ કરવા ઠરાવ કરાશે.
આરોગ્ય સમિતિના ચેરમેન લીલાબેન બટુકભાઇ ઠુંમરે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં સૌથી મોટી સમસ્યા આરોગ્ય કેન્દ્રોમાં કાયમી તબીબોની છે. રાજકોટ સહિત રાજ્યભરના મોટાભાગના આરોગ્ય કેન્દ્રોમાં 11 મહિનાના બોન્ડથી ફરજ બજાવતા તબીબો મૂકવામાં આવે છે જેની અસર આરોગ્ય કેન્દ્રોની સેવા પર પડી રહી છે. આથી 2જીએ પીએચસી અને સીએચસીમાં કાયમી એમબીબીએસ તબીબ મૂકવા માટે ઠરાવ કરી સરકારમાં દરખાસ્ત કરાશે. તેમજ છેવાડાના સેજાના ગામમાં તબીબો સેવા માટે જતા ન હોવાથી અંતરિયાળ વિસ્તારના લોકો આરોગ્ય સેવાથી વંચિત રહેતા હોવાની ફરિયાદો પણ મળે છે. આથી સેજાના ગામ માટે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની અલગ-અલગ ટીમો બનાવવી અને તેનું રજિસ્ટર રાખવાની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવનાર છે. તેમજ પીએમના આહ્વાન મુજબ તમામ સરકારી દવાખાનાઓ ઝીરો ઇલેક્ટ્રિકસિટી બિલના કરવા માટે પણ દરખાસ્ત કરી છે. જે મુજબ તમામ પીએચસી, સીએચસી અને એસડીએચમાં સોલાર સિસ્ટમ ફિટ કરવા નિર્ણય લેવાશે. આ માટે સંસદ સભ્યો અને ધારાસભ્યોને ગ્રાન્ટ ફાળવવા અપીલ કરાશે. આ ઉપરાંત 2024-25નું રિવાઇઝ્ડ અંદાજપત્ર અને 2025-26ના નવા અંદાજપત્ર મંજૂર કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે.
1લીએ મિટિંગ, કામ પૂરા ન કરનાર કોન્ટ્રાક્ટર્સને કરાશે બ્લેકલિસ્ટ
જિલ્લા પંચાયતમાં 1લીએ બાંધકામ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. બાંધકામ સમિતિના ચેરમેન દક્ષાબેન પરેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે, જે ઇજારેદાર કામ ન કરતા હોય તેમને શેડ્યૂલ-સી મુજબ વળતર લાગુ કરી એજન્સીને છૂટી કરવા અથવા ટેન્ડર ક્લોઝ મુજબ તેમના ખર્ચે અને જોખમે કામ કરવા અંગે નિર્ણય કરાશે. નિયત સમયમર્યાદામાં કામ પૂરા ન કરનારા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા પણ દરખાસ્ત કરાઇ છે. તેમજ રૂ.15 લાખ સુધીના કામો મંજૂર કરવા અંગે દરખાસ્ત કરાઇ છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની બાંધકામ શાખાનું 2024-25નું રિવાઇઝ્ડ અંદાજપત્ર અને 2025-26નું નવું અંદાજપત્ર મંજૂર કરવા દરખાસ્ત કરવામાં આવી છે. જે અંગે પણ નિર્ણય લેવાશે.



