રાજકોટ તારીખ ૭ ઓગસ્ટ – ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પ્રીલીમીનરી પરીક્ષા તા. ૮ ઓગસ્ટ-૨૦૨૧ ના રોજ સવારે ૧૧.૦૦થી બપોરના ૧.૦૦ વાગ્યા દરમિયાન રાજકોટ શહેરના વિવિધ ૫૩ કેન્દ્રોમાં યોજાશે આ પરીક્ષામાં ભાગ લેનાર પરીક્ષાર્થીઓ કોઈ પણ જાતની ખલેલ વિના મુક્ત અને શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે, બહારના કોઇ તોફાની તત્વો આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્ર ખાતે પરિક્ષા આપતા વિદ્યાર્થીઓને ખલેલ ન પહોંચાડે તથા પરીક્ષા દરમિયાન કોઇ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય નહીં તે માટે ૬ ઓગસ્ટના રોજ સવારે ૧૦.૦૦થી બપોરના ૨.૦૦ વાગ્યા સુધી રાજકોટ શહેરના જે પરીક્ષા કેન્દ્રમાં આ પરીક્ષા યોજાનાર છે તે તમામ શાળા કેન્દ્રો માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે નીચે મુજબના પ્રતિબંધો જાહેર કર્યા છે.
રાજકોટ શહેર વિસ્તારમાં જે શાળાઓને પરીક્ષા કેન્દ્ર તરીકે નક્કી કરવામાં આવેલ છે તે શાળાના કમ્પાઉન્ડની ચારે બાજુની ત્રિજ્યાના ૧૦૦ મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યક્તિઓ એકત્રિત થશે નહીં કોઈ સ્ટેશનર્સ કે વેપારીઓ કે શાળાના સંચાલકો ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહીં. કોઈ વ્યક્તિ વાહનો લાવશે નહીં કે શાળામાં વાહનો લઇ જઇ શકશે નહીં. ચાર કે તેથી વધારે વ્યક્તિઓ ભેગા થશે નહીં. શાળા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્રને લગતું સાહિત્ય કે પુસ્તક, ગાઈડ, મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક સાધનો પરીક્ષા સ્થળ અને પરીક્ષાખંડમાં લઈ જશે નહીં તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષાખંડમાં મોબાઈલ ફોન લઈ જવા નહીં. શાળા કેન્દ્રના સ્થળ સંચાલક કે સુપરવાઇઝર, સરકારી પ્રતિનિધિ અને પરીક્ષા કેન્દ્રના બિલ્ડિંગમાં ફરજ બજાવતા વર્ગ-૪ના કર્મચારીઓએ ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે અને તે પહેરવાનું રહેશે કોઈપણ વ્યક્તિ શાળાના પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરી શકશે નહીં રાજકોટ શહેર પોલીસ કમિશનરની હકૂમત હેઠળના વિસ્તારમાં આવેલ તમામ પરીક્ષા કેન્દ્રોમાં અમલી બનશે. સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિ પરીક્ષા કાર્યમાં રોકાયેલ તમામ ઓળખપત્ર ધરાવતી વ્યક્તિઓ ઓળખપત્ર ધરાવતા પરીક્ષાર્થીઓ, લગ્નના વરઘોડા, સ્મશાનયાત્રા, ફરજ પરના પોલીસ-એસ.આર.પી-હોમગાર્ડ- જી.આર.ડી.ના અધિકારી તથા જવાનોને આ હુકમ લાગુ પડશે નહીં આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.