નાસ્તો લઈને જતી વેળાએ બનેલી ઘટના : સિટી બસના ચાલક સામે નોંધતો ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરમાં બેફામ દોડતી સિટી બસના ચાલકો અનેક લોકો માટે જીવનું જોખમ બની રહ્યા છે ત્યારે કાલાવડ રોડ પર કણકોટના પાટિયા પાસે બેફિકરાઇથી પસાર થયેલી સિટી બસે રાહદારી માતા-પુત્રને ઉલાળ્યા હતા જેમાં સાત વર્ષના બાળકનું માતાની નજર સામે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે તેની માતાને પણ ગંભીર ઇજા થઇ હતી.
- Advertisement -
કાલાવડ રોડ પર કણકોટ ગામના ક્રિષ્નાનગરમાં રહેતા હેતલબેન ભરતભાઇ ગોયલ ઉ.33 અને તેનો 7 વર્ષનો પુત્ર રાજવીર રવિવારે સવારે લાભુભાઇ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ પાસે નાસ્તો લેવા ગયા હતા. નાસ્તો લઇને માતા-પુત્ર ચાલીને પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા અને કણકોટના પાટિયા પાસે પહોંચ્યા હતા ત્યારે પાછળથી ધસી આવેલી સિટી બસે માતા-પુત્રને ઉલાળ્યા હતા બસની ઠોકરથી બંને રસ્તા પર ફંગોળાયા હતા, બસના તોતિંગ વ્હિલ માસૂમ રાજવીર પર ફરી વળતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે હેતલબેનના પગ પરથી પણ બસના વ્હિલ ફરી વળ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા હેતલબેનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસની ટીમ દોડી ગઇ હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હેતલબેનના પતિ મજૂરીકામ કરે છે અને રાજવીર તેમનો એકનો એક પુત્ર હતો. વહાલસોયા પુત્રનાં મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.પોલીસે હેતલબેનની ફરિયાદ પરથી બસના ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી.



