માતાજીનાં દર્શન કરી મહેસાણા જતી 3 લક્ઝરી બસ ઉપર પથ્થરમારો, અસામાજિક તત્ત્વોને પકડવા પોલીસે ટીમ બનાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શક્તિપીઠ અંબાજીમાં માતાજીનાં દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો દરરોજ આવે છે. હાલ થોડા સમયથી અંબાજીની આજુબાજુમાં વાહનો પર પથ્થરમારાની ઘટનાઓ જોવા મળી રહી છે. ગત રાત્રે (22 ડિસેમ્બર) અંબાજી નજીક યાત્રિકો ભરેલી ખાનગી લક્ઝરી બસ પર પથ્થરમારાની ઘટના બની હતી. અંબાજી આવતા તમામ માર્ગો પહાડી વિસ્તારથી ઘેરાયેલા છે. ત્યારે તેનો ફાયદો ઉઠાવી કેટલાંક અસામાજિક તત્ત્વો પથ્થરમારો કરી નાસી જાય છે.
- Advertisement -
પાનસા ગામ નજીક ગતરાત્રે અંબાજીથી મહેસાણા જતી 3 લક્ઝરી બસ ઉપર પથ્થરમારો થયો હતો. ભક્તો માતાજીનાં દર્શન કરીને પરત જતા હતા તે સમયે પથ્થરમારાની ઘટના બની હતી. કેટલાંક અસામાજિક તત્ત્વોએ બસના આગળના કાચને પણ તોડી નાખ્યા હતા. આ ઘટનામાં સદનસીબે તમામ યાત્રિકોનો આબાદ બચાવ થયો છે.
આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના બાદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને દર્શનાર્થીઓની બસ પર કોણે પથ્થરમારો કર્યો તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે. તો સાથે સાથે પોલીસ પેટ્રોલિંગ વધારવા પણ લોકોએ માગ કરી છે. અવારનવાર બનતી પથ્થરમારાની ઘટનાઓને લઇને યાત્રિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ 13 નવેમ્બરે આબુ જતા યાત્રિકોની બસ પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હોવાની ઘટના ઘટી હતી. ગુજરાતની સૌથી મોટી ટ્રાવેલ્સ એજન્સી ગુજરાત ટ્રાવેલ્સની બસ પર વહેલી સવારે પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં ગુજરાત ટ્રાવેલ્સની એસી બસના 2 મોટા કાચ તૂટ્યા હતા. ગુજરાતનાં લોકો સૌથી વધુ આબુ ફરવા જાય છે ત્યારે એવી ઘટનાઓથી પ્રવાસીઓમા ભયનો માહોલ છવાઈ રહ્યો છે. રાજસ્થાનની સરહદ ઉપર પથ્થરમારાની ગંભીર ધટના બની હતી.