ગોંડલના રીબ ગામના અમરીબેન મેવાડા અને પાંચાભાઈ મેવાડાએ ખોટા દસ્તાવેજ બનાવી 48 વર્ષ બાદ કોર્ટમાં અપીલ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આ દાવાની ટૂંકી વિગત એવી છે કે ગાંધીધામ (કચ્છ)ના રહેવાસી છત્રસિંહ જાલમસિંહ જાડેજા અને બચુભા જાલમસિંહ જાડેજાની વડીલોપાર્જિત ખેતીની જમીન જે લોધીકા તાલુકાના ગામ ખાંભાના રેવન્યુ સર્વે નં. 194 પૈકી 4 એકર અને 16 ગુંઠા જમીન જે ગુજરનાર પિતા જાલમસિંહ શીવસિંહ જાડેજા નામથી રેવન્યુ રેકર્ડ માલીકી તેમજ કબજા ભોગવટા આવેલી હતી.
- Advertisement -
ખાંભાના રેવન્યુ સર્વે નં. 194 પૈકી 4 એકર જમીનના વર્ષ 1959ની સાલનો દસ્તાવેજ અનુક્રમ નં. 52 વાળો દસ્તાવેજ તા. 26-2-1959માં કુલમુખત્યાર હરભમસિંહ શીવુભા જાડેજા પાસેથી રીબ ગામના વશરામભાઈ સીદીભાઈ ભરવાડ દ્વારા ખરીદ કરેલો હોય તેવો દસ્તાવેજ બનાવી ત્યારબાદ વશરામભાઈ સીદીભાઈ ભરવાડનું અવસાન થતાં તેમના વારસદાર અમરીબેન સવાભાઈ મેવાડા વગેરે દ્વારા 48 વર્ષ બાદ તા. 27-12-2007ની સાલમાં હક્કપત્રે દસ્તાવેજ નં. 52, વેચાણ નોંધ પડાવવા જતા બચુભા જાલમસિંહ જાડેજા વગેરે ખ્યાલ આવ્યો કે ખોટા કુલમુખત્યારનામાના આધારે ખોટો વેચાણ દસ્તાવેજ બનાવ્યો છે. તે અંગે બચુભા જાડેજાએ ગોંડલના પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ સમક્ષ વેચાણ દસ્તાવેજ નં. 52 તા. 26-2-1959વાળો રદ કરવા તેમજ અન્ય કોઈને વેચાણ ટ્રાન્સફર, ગીરો, બીજો કરે નહીં તેવો કાયમી મનાઈ હુકમ મેળવવા દાવો દાખલ કર્યો હતો. જે સિવિલ દાવો પ્રિન્સિ. સિવિલ જજ ડી. જી. વાઘેલાએ તા. 3-9-2013ના રોજ મંજૂર કરીને વેચાણ દસ્તાવેજ નં. 52 રદબાતલ જાહેર કર્યો અને કાયમી મનાઈહુકમ છત્રસિંહ જાલમસિંહ જાડેજા અને બચુભા જાલમસિંહ જાડેજા તરફેણમાં ફરમાવ્યો હતો.
ત્યાર બાદ અમરીબેન સવાભાઈ મેવાડા વિગેરે દ્વારા ગોંડલના કોર્ટ સમક્ષ દિવાની અપીલ કરી હતી. જેમાં છત્રસિંહ અને બચુભા જાડેજાની તરફથી એડવોકેટ સંજય એચ. પંડ્યા રોકાયા હતા અને કોર્ટને જણાવ્યું કે કહેવાતો વેચાણ દસ્તાવેજ ખોટો ઉપજાવી કાઢયો છે. 48 વર્ષ બાદ હક્કપત્ર રેવન્યુ પડાવવા માટે ગયા છે તેમજ વશરામભાઈ સીદીભાઈ ભરવાડ કે અમરીબેન સવાભાઈ મેવાડા ખાતેદાર ખેડૂત જ નથી જેથી કહેવાતો વેચાણ દસ્તાવેજ ખેતીનો છે તે કુલમુખત્યારનામાના આધારે બનાવ્યો છે તે કુલમુખત્યાનામુ જ અસ્તિત્વમાં નથી તેમજ ખાતેદાર ખેડુ ન હોવાથી કાયદા મુજબ ખેતીની જમીન ખરીદવા હક્કદાર નથી. હાલ વધતાં જતાં મિલકતના ભાવને ધ્યાને લઈને સમાધાનના બહાને કરોડો રૂપિયા પડાવા હેતુથી ખોટા કુલમુખત્યારનામાના આધારે વેચાણ દસ્તાવેજ ખોટો બનાવ્યો છે તેવી દલીલ એડવોકેટ સંજય પંડ્યા માન્ય રાખીને દીવાની અપીલ રદ કરી અને ગોંડલના પ્રિન્સિ. સિવિલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા હુકમ કાયમ રાખતો હુકમ ગોંડલના 3જા એડી. ડીસ્ટ્રી. જજ એમ. એ. ભટ્ટી દ્વારા ફરમાવવામાં આવ્યો છે.
આ કેસમાં છત્રસિંહ જાલમસિંહ જાડેજા અને બચુભા જાલમસિંહ જાડેજા વતી એડવોકેટ સંજયભાઈ એચ. પંડ્યા તથા મનિષભાઈ એચ. પંડ્યા, જયદેવસિંહ ચૌહાણ, વનરાજસિંહ જાડેજા રોકાયેલા છે.