વડાપ્રધાન મોદી પ્લેન દ્વારા વડનગર પહોંચી શકશે: મોદીના જન્મસ્થળ વડનગર અને દ્વારકામાં સૌથી પહેલાં એરપોર્ટનું નિર્માણ શરૂ થશે: આ બંને સ્થળે પ્રાથમિક અભ્યાસ પૂર્ણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે વડનગર અને દ્વારકાની સાથે 11 ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે. આ પછી પ્રવાસીઓ અને યાત્રાળુઓ હવાઈ સેવા દ્વારા સીધા જ ગુજરાતના લોકપ્રિય સ્થળોએ પહોંચી શકશે. ગુજરાત સરકારે રાજ્યમાં 11 સ્થળોએ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ વિકસાવવાનું કામ ઝડપી કર્યું છે. જેના માટે 2025-26ના બજેટમાંથી મોટી ફાળવણી કરવામાં આવી છે. ટોચના સરકારી સૂત્રોનું કહેવું છે કે અંકલેશ્ર્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, ધોરડો, રાજુલા, દાહોદ, ધોળાવીરા અને પાલિતાણા ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટની પણ વિચારણા કરવામાં આવી રહી છે.તેમ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે. વડા પ્રધાન મોદીના જન્મસ્થળ વડનગરની વધતી જતી લોકપ્રિયતા અને અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓની વધતી જતી ભીડને કારણે આ બંને એરપોર્ટનું કામ ટૂંક સમયમાં શરૂ થાય તેવી શકયતા છે. સૂત્રોએ જણાવ્યું કે દ્વારકા અને વડનગર નજીકના ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે પ્રાથમિક શકયતા અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે.
ઉત્તર ગુજરાતની સ્થાનિક વસ્તી અને મુખ્ય સ્થળોની મુલાકાત લેતા પ્રવાસીઓને સેવા આપવા માટે વડનગર અને અંબાજી નજીક જમીનને આખરી ઓપ આપવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આગામી મહિનાઓમાં જમીન સંપાદન શરૂ થશે.
સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે અંકલેશ્ર્વર ખાતે અન્ય નવ ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે પણ શકયતા અભ્યાસ ટૂંક સમયમાં શરૂ થશે. તેમણે કહ્યું કે ભવિષ્યના બજેટમાં આ પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સ માટે પર્યાપ્ત બજેટ ફાળવણી કરવામાં આવશે. અધિકારીઓએ સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના વિસ્તરણનો પણ સંકેત આપ્યો હતો. સરકાર કોર્પોરેશનોમાં સ્થિત તમામ એરપોર્ટ માટે વ્યાપક વિસ્તરણ યોજનાઓ તૈયાર કરી રહી છે. વડોદરા અને પોરબંદર એરપોર્ટનું ટૂંક સમયમાં વિસ્તરણ કરવામાં આવશે તેમ સૂત્રો કહે છે. વડોદરા, ભાવનગર અને પોરબંદર એરપોર્ટ પરની સુવિધાઓ પણ ઘણા વર્ષોથી યથાવત છે. આનું વિસ્તરણ અને આધુનિકીકરણ કરવામાં આવશે. તેવી જ રીતે સુરતમાં એરપોર્ટ નજીક જમીનનો ટુકડો સંપાદિત કરવામાં આવી રહયો છે.
- Advertisement -
ગુજરાતમાં ક્યાં-ક્યાં સૂચિત ગ્રીનફિલ્ડ એરપોર્ટ?
દ્વારકા
વડનગર
અંકલેશ્ર્વર
મોરબી
રાજપીપળા
બોટાદ
ધોરડો
રાજુલા
દાહોદ
ધોળાવીરા
પાલીતાણા
શહેરોને હેલિકોપ્ટર સેવાઓથી જોડવામાં આવશે
ગુજરાતમાં એર કનેક્ટિવિટી વધારવા માટે એરલાઈન્સને પ્રોત્સાહન આપવાની શકયતાઓ પર સરકાર દ્વારા વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, સત્તાવાળાઓ ગુજરાતના શહેરોને જોડતી હેલિકોપ્ટર સેવાઓ શરૂ કરવાની સંભવિતતા પણ ચકાસી રહ્યા છે, જેના માટે અન્ય રાજ્યોમાં આવા મોડલના સફળ અમલીકરણનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતમાં હાલમાં નોંધપાત્ર આંતર-શહેર હેલિકોપ્ટર સેવાઓ નથી.



