તંત્રને મોટી દુર્ઘટનાની રાહ?
બાળકો હાજર નહીં હોવાથી મોટી દુર્ઘટના ટળી, પોલીસે આરોપીની કરી અટકાયત
મહાપાલિકા અને PGVCLને અનેકવાર રજૂઆત કર્યાનો લત્તાવાસીઓનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ટીઆરપી જેવી ઘટનાનું રાજ્યમાં ક્યાંય પણ પુનરાવર્તન ન થાય તે હેતુથી એમ્યુઝમેન્ટ રાઇડ્સ તએન્ડ ગેમિંગ ઝોનમાં આવતા નાગરિકોની સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા ધી ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમિંગ ઝોન એક્ટિવિટિઝ (સેફટી) રૂલ્સ-2024 બનાવવામાં આવ્યા છે. જે બાદ હજુ કયાંકને ક્યાંક તંત્ર દ્વારા કંઈક કચાશ રહી જતી હોય તેવું લાગી રહ્યું છે.
રાજકોટ શહેરના સોરઠીયા વાડી સર્કલ પાસે પવનપુત્ર ચોક પાસે કોઈ પણ મંજૂરી વગર એક વ્યક્તિ દ્વારા 10 જેટલા હિંચકા અને જમ્પિંગ ટ્રેમ્પોલીન લગાવી દીધા છે જેને લઇ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને પણ પારાવાર ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને ત્યાં રહેતા સ્થાનિકોએ આ વ્યક્તિ વિરુદ્ધ મહાનગર પાલિકાના દબાણ વિભાગ અને પીજીવીસીએલમાં પણ જાણ કરી છે આમ છતાં આ વ્યક્તિ દ્વારા બાળકોના જીવ જોખમમાં મુકી રહ્યો છે. આ તકે ત્યાં રહેતા સંજયભાઈ નામના વ્યક્તિએ આક્ષેપ કર્યો હતો કે,અહીં પવનપુત્ર ચોક પાસે એક વ્યક્તિ દ્વારા બાળકોના સૌપ્રથમ બે હિંચકા મુક્યા હતા અને ત્યારે જ અહિંના સ્થાનિકોએ મહાનગર પાલિકાના દબાણ હટાવ શાખામાં જાણ કરતા તેઓ આ વ્યક્તિને સૂચના આપી જતા રહ્યા હતા.ત્યારબાદ આ વ્યક્તિ એ છેલ્લા ઘણા સમયથી બાળકોનું સૌથી મોટું જમ્પિંગ ટ્રેમ્પોલીન લાવે છે અને તેમાં એર(હવા) ભરવા માટે ત્યાં આવેલા સબસ્ટેશનમાં ડાયરેક્ટ છેડા આપવામાં આવે છે અને જેને લઇ તે બાળકોનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે.જોકે આ ઘટનામાં બાળકો ત્યાં હાજરના હોય મોટી ર્દ્ઘટના ટળી હતી.
આજે સાંજના સમયે આ વ્યક્તિએ બાળકોનું જમ્પિંગ ટ્રેમ્પોલીન ચાલુ કરવા માટે ડાયરેક્ટ છેડા લગાવતા થોડી જ વારમાં બ્લાસ્ટ થયો હતો અને ત્યાં હાજર લોકો પણ દોડી આવ્યા હતા અને આ વ્યક્તિને સમજાવ્યો હતો પરંતુ ન માનતા અંતે પોલીસ બોલાવતા ભક્તિનગર પોલીસની ટિમ ત્યાં આવી પહોંચી હતી અને પોલીસ મથકે લઇ આવી હતી. હવે જોવું એ રહ્યું કે બાળકોના જીવને જોખમમાં મુકનાર આ વ્યક્તિ સામે કોઈ પગલાં લેવાય છે કે કેમ?



