કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષા બાદ ધામમાં ચાલી રહેલું કામ પણ હાલ પુરતું બંધ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના શહેરોમાં કેદારનાથ-બદ્રીનાથથી લઈને શિમલા સુધી સિઝનની પ્રથમ હિમવર્ષા જોવા મળી છે. પહાડી વિસ્તારોમાં બધે જ બરફની સફેદ ચાદર જોવા મળે છે. રસ્તાઓથી માંડીને વળક્ષો, છોડ અને મકાનો બધું જ સુંદર લાગે છે કારણ કે તે બરફથી ઢંકાયેલું છે. કેદારનાથમાં હિમવર્ષાની તસવીર સામે આવી છે. જેમાં કેદારનાથ મંદિર સંપૂર્ણપણે બરફની સફેદ ચાદરથી ઢંકાયેલું છે. પહાડો પર થઈ રહેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં જોવા મળશે. ઠંડીમાં વધારો થતાં તાપમાનનો પારો વધુ નીચે જવાની શકયતા છે.
ચમોલી, ઔલી, જોશીમઠ, બદ્રીનાથ સહિત ઘણા ઊંચાઈવાળા સ્થળોએ સિઝનની પ્રથમ હિમવર્ષાથી પર્વતો ગુંજી ઉઠ્યા છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે અને મેદાની વિસ્તારોમાં હળવા વાદળો જોવા મળી રહ્યા છે. ઉધમ સિંહ નગર સહિત પહાડોના ઘણા વિસ્તારોમાં બે થી ચાર ઈંચ હિમવર્ષા નોંધાઈ છે.
કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષા બાદ ધામમાં ચાલી રહેલ કામ પણ હાલ પુરતું બંધ કરી દેવામાં આવ્યું છે. વધુ ઊંચાઈએ હિમવર્ષાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાવા સાથે તીવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા બાદ રસ્તાઓ બરફથી ઢંકાઈ જવાની આગાહી કરી છે. વાહનો પર બરફનો જાડો પડ પણ દેખાય છે. આ સાથે હળવા ઝરમર વરસાદ પણ જોવા મળ્યો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવા વાદળો અને ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. હિમવર્ષા બાદ ગંગોત્રી ધામમાં બરફનો જાડો પડ દેખાય છે.
સિમલામાં સિઝનની પ્રથમ હિમવર્ષા પણ જોવા મળી હતી. શિમલામાં હિમવર્ષા દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.