8 બેઠક પર ઇલેક્શન માટે 11 ડિસેમ્બરના આખરી યાદી પ્રસિદ્ધ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
20મી ડિસેમ્બરે રાજકોટ બારની ચૂંટણીનું મતદાન થશે. જોકે આ વખતે વકીલોમાં જ ચર્ચા જાગી છે કે, શું આ વર્ષે પહેલા જેવો ઉત્સાહ રહેશે? કે નહીં રહે? આ વર્ષે નવું એ છે કે, પ્રમુખ પદે ત્રણ દાવેદારો સ્વતંત્ર લડવાના છે. ભાજપ લીગલ સેલ સત્તાવાર રીતે પેનલ નહીં ઉતારે. હાલની સ્થિતિએ પ્રમુખ પદ માટે બકુલ રાજાણી અને ભાજપ તરફી દિલીપ જોશી વચ્ચે સીધી ટક્કર છે. તેમાં પરેશ મારૂ પણ રેસમાં છે. ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે. બેઠકો, મિટિંગો થવા લાગી છે પણ હજુ કોઈએ પેનલ જાહેર નથી કરી. એટલે સામ સામી પેનલ લડશે એવું ચિત્ર પર રચાશે નહીં. તેવી શક્યતાઓ છે. આગામી તા.20મી ડિસેમ્બરે રાજકોટ સહિત રાજ્યના 275 બાર એસોસિએશનની ચૂંટણી યોજાશે. ઉમેદવારી ફોર્મ 2 થી 6 ડિસેમ્બર સુધી ભરી શકાશે. ઉમેદવારી ફોર્મ ચકાસણી 9 ડિસેમ્બરે થશે. ઉમેદવારોની આખરી યાદી 11 ડિસેમ્બરના જાહેર થશે. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ટ્રેઝરર, લાઇબ્રેરી સેક્રેટરી, કારોબારી સભ્ય અને કારોબારી સભ્ય મહીલા અનામત બેઠક માટે ચૂંટણી થશે. બાર કાઉન્સિલર ઓફ ગુજરાતે સત્તાવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર કરતા રાજકોટમાં વકીલો દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ છે. ચૂંટણી માહોલ જામી ગયો છે. ચૂંટણી લડવા ઈચ્છુક વકીલ આગેવાનો દ્વારા મિટિંગો અને ભોજન સમારંભો શરૂ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ બારની ચૂંટણી હંમેશા ચર્ચામાં રહી છે. અહીં બારની ચૂંટણીનો હાઇટેક પ્રચાર થાય છે. જુદા-જુદા ક્ષેત્રના વકીલ મંડળો, સમાજ – જ્ઞાતિના વકીલ મંડળો ટેકો જાહેર કરતા હોય છે. હાઇપ્રોફાઈલ ચૂંટણી થાય છે પણ આ વર્ષે હજુ માહોલ જમ્યો નથી. જાણકારો કહે છે કે, આ વર્ષે ગત વર્ષો જેવો માહોલ જમવાની શક્યતા ઓછી છે. એક કારણ એવું પણ છે કે, પાછલી ચૂંટણીઓમાં પેનલો લડી હતી.
- Advertisement -
આ વર્ષે હજુ પેનલના કોઈ તાર મળ્યા નથી. પ્રમુખ પદના ઉમેદવારો પણ સ્વતંત્ર પ્રચાર કરી રહ્યા છે. જે રીતે આખી પેનલનો પ્રચાર થતો હતો તેવું હજુ સુધી બન્યું નથી. સૂત્રો જણાવે છે કે, રાજકોટ બારના વકીલોના આ ચૂંટણી રાજકારણમાં અગ્ર હરોળમાં આવતા ધારાશાસ્ત્રીઓ પરદા પાછળ રણનીતિ ઘડી રહ્યા છે. કદાચ આખી પેનલ પણ સામ સામે ઉતરી શકે છે. જોકે, અંતિમ તબકકામાં શું સ્થિતિ રહે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.



