CGST ઇન્સપેક્ટરે 79 લાખની ઠગાઇ અંગે નોંધાવ્યો ગુનો
અગાઉ 61 લાખની ઠગાઇમાં સામેલ બે પેઢી પણ આ ગુનામાં સામેલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં છ દિવસ પૂર્વે જ 61.38 લાખની જીએસટી ચોરી અંગે ક્રાઇમ બ્રાન્ચમાં મહેશ લાંગા હસ્તકની 14 જેટલી પેઢીઓ સામે ફરિયાદ નોંધાયા બાદ ફરી 7 બોગસ પેઢીઓ જીએસટીની ઝપટે ચડી જતા 79,20,398 રૂપિયાની છેતરપિંડી અંગે ક્રાઇમ બ્રાન્ચમાં વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. આ 7 પેઢીઓ પૈકી રાજકોટમાં ત્રણ, જૂનાગઢમાં બે અને અમદાવાદ તથા ભાવનગરમાં એક-એક પેઢી હોવાનું સામે આવ્યું છે તેમજ 7 પૈકી 2 પેઢી એવી છે જેના ઉપર છ દિવસમાં આ બીજો જીએસટી ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સેન્ટ્રલ જીએસટી કચેરી રાજકોટના સુપ્રિટેન્ડેન્ટ જયપ્રકાશસિંહ રામચંદ્રસિહએ રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનમાં 79,20,398 રૂપિયાની જીએસટી ચોરી અંગે રાજકોટ ગોંડલ રોડ ઉપર માં આશિષ કોમ્પ્લેક્ષમાં આવેલ શ્રી ક્રિષ્ના ટ્રેડીંગ પેઢી, રાજકોટ નંદી પાર્ક દર્શિત કોમ્પ્લેક્ષમાં 1 આવેલ યેશ ડેવલોપર પેઢી, રાજકોટ સાધુ વાસવાણી રોડ પર ડેકોરા ઉત્સવમાં આવેલ આર કે એન્ટરપ્રાઈઝ, જૂનાગઢ ઝાંઝરડા ચોકડી પાસે ગાર્ડન આઇકોનમાં આવેલ બી જે ઓડેદરા પેઢી, જૂનાગઢના ટીંબાવાડી ગામે મોટી પેલેસમાં આવેલ ક્રીઝલ એન્ટરપ્રાઈઝ, ભાવનગર વાઘાવાડી રોડ પર શુરભી કોમ્પ્લેક્ષમાં આવેલ ઓન ક્ધસ્ટ્રકશન અને અમદાવાદ નંદવિહાર રેસીડેન્સીમાં આવેલ ડી એ એન્ટરપ્રાઈઝ સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યું હતું કે, અજાણી વ્યક્તિ દ્વારા શ્રી ક્રિષ્ના ટ્રેડીંગ નામે પેઢી બનાવી ખોટો ભાડા કરાર કરી ખરા તરીકે રાજકોટ સી.જી.એસ.ટી. ભવન રેસકોર્સ ઓફિસ સહિત ઓનલાઈન રજુ કરી ફેબ્રુઆરી 2023થી માર્ચ 2023 દરમિયાન બોગસ ઈનપુટ ટેક્સ મેળવવા માટે અન્ય 6 પેઢીઓના સંચાલકો સાથે મળી કાવતરૂ રચી બનાવટી બિલિંગ, બોગસ દસ્તાવેજો અને ખોટી રજુઆતો દ્વારા ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા સરકારને 79.20 લાખનું નુકશાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત પેઢીઓએ માત્ર એક જ મહિનામાં 201 જેટલા વ્યવહારો કર્યા હોવાનું સામે આવ્યું છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.