અમેરિકન ડ્રીમ: ડો. સુધીર શાહ
છેલ્લાં થોડાં વર્ષોથી ‘કમ્પ્યુટર સાયન્સ’ એ ભારતીય વિદ્યાર્થીઓ માટે અત્યંત આકર્ષક પ્રોગ્રામ બની ચૂક્યો છે, 50%થી વધુ વિદ્યાર્થીઓ કમ્પ્યુટર સાયન્સનો પ્રોગ્રામ મેળવવા જાય છે
- Advertisement -
જે પરદેશી વિદ્યાર્થી અમેરિકામાં ભણવા આવે છે, તેઓ ભણી રહ્યા બાદ અમેરિકામાં જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એનો ફાયદો અમેરિકાને આપે એ માટે એમને એક યા ત્રણ વર્ષ અમેરિકામાં રહીને કામ કરવાની છૂટ મળે એ માટે એક ખાસ ‘ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ’ પિરિયડની રચના કરી છે. ઓપીટી પિરિયડ પૂરો થાય એ દરમિયાન તેઓ અમેરિકાની કંપનીમાં નોકરી મેળવીને ‘એચ-1બી’ વિઝા ઉપર વધુ છ વર્ષ કામ કરી શકે છે. એ દરમિયાન એમના અમેરિકન માલિકો એમના લાભ માટે ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન પણ દાખલ કરી શકે છે. અમેરિકા એમની પરદેશી કાર્યકરોની જરૂરિયાતને પહોંચી વળવાના આમ પ્રયત્નો કરે છે.
દર વર્ષે હજારો ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાની જુદી જુદી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવાના પ્રયત્નો આદરે છે. જેમને પ્રવેશ સાંપડે છે તેઓ કોલંબસે ખોજેલા એ દેશમાં પ્રાપ્ત થતાં ઉચ્ચ શિક્ષણનો લાભ મેળવી પોતાની જાતને ઊંચે આણે છે, તેમ જ ઓપીટી પિરિયડમાં અને ત્યાર બાદ ‘એચ-1બી’ વિઝાના સમયમાં અમેરિકામાં નોકરી કરીને અમેરિકાને ફાયદો પહોંચાડે છે.
છેલ્લાં થોડાં વર્ષોથી ‘કમ્પ્યુટર સાયન્સ’ એ ભારતીય વિદ્યાર્થીઓ માટે અત્યંત આકર્ષક પ્રોગ્રામ બની ચૂક્યો છે. અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા જતાં ભારતીય વિદ્યાર્થીઓમાંના પચાસ ટકાથી વધુ વિદ્યાર્થીઓ કમ્પ્યુટર સાયન્સનો પ્રોગ્રામ મેળવવા જાય છે. અમેરિકામાં આજે કમ્પ્યુટર સાયન્સનો પ્રોગ્રામ ધરાવતી 235થી વધુ યુનિવર્સિટીઓ છે. આમાં કારનેગી મેલોન યુનિવર્સિટી, મૈસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, સ્ટેનફર્ડ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-બર્કલી, કોર્નેલ યુનિવર્સિટી, જ્યોર્જિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, પ્રિન્સટન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ ઈલિનોય અર્બાના-શેમ્પેન, કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, યુનિવર્સિટી ઓફ ટેક્સાસ એટ ઓસ્ટિન, કોલંબિયા યુનિવર્સિટી અને હાર્વર્ડ યુનિવર્સિટી આ બધી યુનિવર્સિટીઓ મોખરે છે. ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’, જે હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. જેના કારણે સમગ્ર વિશ્ર્વમાં ઊથલપાથલ મચી રહી છે એ વિષયમાં અભ્યાસ કરવા ભારતીય વિદ્યાર્થીઆ કારનેગી મેલોન યુનિવર્સિટી, મૈસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, સ્ટેનફર્ડ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-બર્કીલી અને યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનને પ્રથમ પસંદગી આપે છે.
અમેરિકાની કોઈ પણ યુનિવર્સિટીમાં ભણવા જવું હોય તો અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ હોવું જોઈએ. એ દેખાડી આપવા એમણે ‘ટેસ્ટ ઓફ ફોરેન ઈંગ્લિશ લેન્ગ્વેજ’ એટલે કે ‘ટોફેલ’ યા ‘ઈન્ટરનેશનલ ઈંગ્લિશ લેન્ગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ’ એટલે કે ‘આઈલ્ટસ’ની પરીક્ષા આપીને, એમાં ઉત્તમ ગુણાંક મેળવીને દર્શાવી આપવાનું રહે છે. તેઓ કોણ છે, અત્યાર સુધી એમનું શિક્ષણ અને જીવન કેવું રહ્યું હતું તેમ જ હવે પછી તેઓ શું કરવાનો ઈરાદો ધરાવે છે, જે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની તેઓ અરજી કરી રહ્યા છે એ યુનિવર્સિટી એમણે શા માટે પસંદ કરી છે અને ભવિષ્યમાં ભણતર પૂરું કર્યા બાદ એમનો શું બનવાનો, શું કરવાનો ઈરાદો છે આ સઘળું એમણે એક નિબંધમાં લખીને જણાવવાનું રહે છે. એમણે એ યુનિવર્સિટીએ પ્રવેશ શા માટે આપવો જોઈએ એ માટેની એમની યોગ્ય લાયકાત છે એવું દર્શાવતાં એમના પ્રોફેસરો, ટીચરો તેમ જ શહેરના જાણીતા અને આગળ પડતા લોકોના ભલામણપત્રો પણ સુપરત કરવાના રહે છે. એ યુનિવર્સિટી, જેમાં તેઓ ભણવાની ઈચ્છા ધરાવે છે એમાં ભણવાનો, રહેવા-ખાવાનો તેમ જ અન્ય પરચૂરણ ખર્ચાની એમની પાસે યોગ્ય જોગવાઈ છે એ પણ એમણે દેખાડી આપવાનું રહે છે. યુનિવર્સિટી પ્રવેશ આપે પછી એમણે સ્ટુડન્ટ વિઝા, જેની સંજ્ઞા ‘એફ-1’ છે એ મેળવવા માટે નિયત કરવામાં આવેલ ફોર્મ ડીએસ-160 ઑનલાઈન ભરીને સુપરત કરવાનું રહે છે અને બાયોમેટ્રિક્સ તેમ જ ઈન્ટરવ્યૂ માટેનો સમય મેળવવાનો રહે છે. આટલું જ નહીં, પણ એમણે ‘સેવિસ’ એટલે કે ‘સ્ટુડન્ટ એક્સચેન્જ વિઝિટર્સ ઈન્ફોર્મેશન સર્વિસ’ની ફી ભરીને એ સંસ્થામાં એમનું નામ રજિસ્ટ્રેશન કરવાનું રહે છે.
- Advertisement -
સ્ટુડન્ટ વિઝાના ઈન્ટરવ્યૂમાં જ્યારે એક પરદેશી વિદ્યાર્થી જાય છે ત્યારે અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં જણાવ્યા મુજબ કોન્સ્યુલર ઓફિસરે ધારી લેવું પડે છે કે અરજદાર ભણવા નથી જતો, પણ ભણવાના બહાને એ અમેરિકામાં પ્રવેશવા ઈચ્છે છે. એની ત્યાં ગેરકાયદેસર કામ કરવાની યા રહેવાની ઈચ્છા છે. આથી ‘એફ-1’ વિઝાના અરજદાર વિદ્યાર્થીએ દેખાડી આપવાનું રહે છે કે એ ખરા અર્થમાં એક વિદ્યાર્થી છે. એનો ઈરાદો અમેરિકામાં ગેરકાયદેસર કામ કરવાનો કે રહેવાનો નથી. એની આગળ ખર્ચાના પૈસાનો બંદોબસ્ત છે અને એના સ્વદેશના કૌટુંબિક તેમ જ નાણાકીય સંબંધો એટલા ગાઢ છે કે એ સંબંધો જ એમને એમનું ભણતર પૂરું થતાં એમના દેશમાં પાછા ખેંચી લાવશે. ભારતીય વિદ્યાર્થીઓ જ્યારે ‘એફ-1’ વિઝાની અરજી કરે છે ત્યારે એમણે શું સાવચેતી રાખવી જોઈએ, કેવો વર્તાવ કરવો જોઈએ, એમને કેવા કેવા સવાલો પૂછવામાં આવી શકે આ સઘળું આવતા અઠવાડિયે જાણશું.



