ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર છાયા પાલિકાએ લાંબા સમયથી બાકી રહેલા હાઉસ ટેક્સની વસૂલાત માટે એક કડક ઝુંબેશ હાથ ધરી છે. પાલિકા દ્વારા ગુરુવારે 5 મિલકત સીલ કરવામાં આવી હતી, જ્યારે 2 આસામીઓએ સ્થળ પર જ રૂ. 96,400 ચૂકવી દીધા હતા, જેમાં રૂ. 70,000 ચેક દ્વારા અને રૂ. 26,400 રોકડ ચુકવાયા હતા. પોરબંદર પાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી અને પાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીના માર્ગદર્શન હેઠળ હાઉસ ટેક્સ વિભાગે આ ઝુંબેશ શરૂ કરી હતી. હાઉસ ટેકસ ટીમના ઇન્સ્પેકટર વિપુલ ભટ્ટ, કમલેશ અમલાણી, દેવ નિમાવત, નિર્મળ ઓડેદરા, અને ચેતન હરિયાણીએ સંયુક્ત કામગીરી કરી હતી. શહેરના સુતારવાડામાં 3 કોમર્શિયલ મિલકતો, ભાવેશ્વર મંદિર સામેની 1 દુકાન, અને વાડી પ્લોટ વિસ્તારમાં એક રહેણાંક મકાન સીલ કરવામાં આવ્યા છે. રેલ્વે સ્ટેશન રોડ પરની મિલકત સીલ કરવા જતાં આસામી દ્વારા રૂ. 70,000નો ચેક રજૂ કરવામાં આવ્યો હતો, જેથી સીલ થવાનું અટકાવવામાં આવ્યું. હાઉસ ટેક્સ વિભાગે બાકી વેરા ધરાવતા નાગરિકોને તાકીદે વેરા ભરવાની અપીલ કરી છે.