લોહીની અછત પૂરી કરવા 100 બોટલ એકઠી કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલ બ્લડબેન્કમાં છેલ્લા થોડા સમયથી થેલેસેમિયા ઉપરાંત ડેન્ગ્યુ તથા અન્ય બીમારીઓને કારણે તમામ ગ્રુપના લોહીની માંગ વધુ હોવાથી તથા દિવાળીના તહેવાર, વેકેશન વગેરે કારણે કેમ્પ પણ ઓછા મળતા હોવાથી દર્દીઓને લોહી મેળવવા માં મુશ્કેલી પડતી હતી. પ્રાઇવેટ તથા અન્ય બ્લડબેન્કમાં પણ આ મુશ્કેલી હતી. આ અંગે મેડિકલ કોલેજના ડીન ડો.ભારતી પટેલનું ધ્યાન દોરતા તેમણે એક જ દિવસના ટૂંકા ગાળામાં તાત્કાલિક ધોરણે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. એટલું જ નહિ પરંતુ, પોતે તથા અન્ય પેથોલોજીસ્ટે પણ રક્તદાન કર્યું હતું. પેથોલોજીના વડા ડો. ગૌરવીબેન ધ્રુવના રાહબારી અને માર્ગદર્શનમાં આ કેમ્પ યોજી માત્ર ત્રણ કલાકમાં 100 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. જેમાં મેડિકલ કોલેજના સ્ટુડેંટ્સ, રેસીડેન્ટ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ મેમ્બર્સએ ઉત્સાહભેર રક્તદાન કરતા બ્લડબેન્ક તથા જરૂરિયાતમંદ દર્દીઓને થોડી રાહત મળી છે. આ કેમ્પમાં ડો. રોહિત તથા અન્ય પેથોલોજીના સ્ટાફે સાથ સહકાર આપ્યો હતો.