4 દિવસમાં વાહનચાલકો પાસેથી રૂ. 1.28 લાખનો દંડ વસુલ્યો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.19
પોરબંદર જિલ્લામાં હાઈવે પર રોંગ સાઈડમાં વાહન ચલાવવાનું પ્રમાણ વધ્યું છે, જે સાથે જ એલ.ઈ.ડી. લાઈટના ઉપયોગ તથા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના કારણે માર્ગ અકસ્માતોની સંખ્યા પણ વધી છે. આ સ્થિતિને સંજોગતંત્રમાં લાવવા માટે પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા હાઈવે પર વિશેષ ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પોરબંદરના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પીએસઆઈ કે.બી.ચૌહાણે હાઈવે પર ટ્રાફિક ભંગ બદલ તવાઈ બોલાવી છે. 4 દિવસ સુધી ચાલેલી આ ઝુંબેશ દરમિયાન રોંગ સાઈડમાં વાહન ચલાવનારા, રિફ્લેક્ટર વગરના વાહન ધારકો તેમજ માલવાહક વાહનોમાં પેસેન્જર બેસાડનારા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને કુલ રૂ. 1,28,000 દંડ વસૂલ કરવામાં આવ્યો છે. પોરબંદર ટ્રાફિક પીએસઆઈ ચૌહાણે જણાવ્યું કે, હાઈવે પર વાહનચાલકોના રોંગ સાઈડમાં ગતિશીલ થવું અને વાહનોમાં એલ.ઈ.ડી. લાઈટ લગાડવાના કારણે અંધારામાં દુર્ઘટનાઓની સંભાવના વધી છે. ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા ખાસ ચેકિંગ દરમિયાન એવા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી, જેમણે આ પ્રકારના નિયમોનો ભંગ કર્યો હતો.આ ઝુંબેશમાં ટ્રાફિક એએસઆઈ બી.કે. ઝાલા, કે.બી. પરમાર, મયુરભાઈ બાલશ અને ટીઆરબી જવાન ભાવિન મેઘનાથી અને કુલદિપ સરવૈયાએ કામગીરી સંભાળી હતી.
- Advertisement -
પોરબંદર ટ્રાફિક પોલીસની વાહનચાલકોને અપીલ
પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા વાહનચાલકોને રોંગ સાઈડમાં વાહન ન ચલાવવા તેમજ વાહનોમાં લગાવેલ એલ.ઈ.ડી. લાઈટ સ્વેચ્છાએ દૂર કરવા અપીલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આગળના દિવસોમાં વધુ કડક ચેકિંગ ઝુંબેશ યોજવામાં આવશે, જેમાં એલ.ઈ.ડી. લાઈટ ધરાવતા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થશે.