૧૮ થી ૫૦ વર્ષની વયની લાભાર્થી મહિલાના બચત ખાતામાં રૂ. ૨૪ હજાર તેમજ રૂ. ૨૫ હજારની રકમના રાષ્ટ્રીય બચત પત્ર સહીત રૂ. ૫૦ હજારની આર્થિક સહાય
રાજકોટ- સામાજિક સુરક્ષા અને કલ્યાણ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ હવે પુનઃ લગ્ન કરતી મહિલાઓને ”ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના”નો લાભ મળશે. ગંગા સ્વરૂપા મહિલાઓ પરત્વે સામાજિક અને માનસિક પરિવર્તન સાથે લગ્ન ઇચ્છુક ગંગા સ્વરૂપા બહેનોને સમાજના સાંપ્રત સમયમાં પુનઃસ્થાપિત કરવાના અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા ૧૮ થી ૫૦ વર્ષની વયની લાભાર્થી મહિલાના બચત ખાતામાં રૂ.૨૪ હજાર તેમજ રૂ. ૨૫ હજારની રકમના રાષ્ટ્રીય બચત પત્ર સહીત રૂ. ૫૦ હજારની આર્થિક સહાય પુરી પાડવામાં આવશે.
આ યોજનાનો લાભ લેનાર મહિલાની ઉમર ૧૮ થી ૫૦ વર્ષની વચ્ચે તેમજ મહિલા જે વ્યક્તિ સાથે પુનઃલગ્ન કરવા માંગે છે તેના પત્ની હયાત નો હોવા જોઈએ. આ યોજનાનો લાભ લેવા માટે મહિલાએ પુનઃલગ્ન કર્યા બાદ ૬ મહિનાના સમયમાં જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ માટેના અરજી પત્રક મહિલા અને બાળ વિકાસની વેબસાઈટ https:// wcd.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. આ અરજી પત્રક મહિલા અને બાળ અધિકારીની ઓફિસે જમા કરાવવાના રહેશે.


