30 અર્વાચીન રાસોત્સવમાં ક્યાંય માતાજીના ગરબાના નામે અશ્ર્લીલ ગીતો વાગતા હશે તો બંધ કરાવીશું: હિન્દુ જાગરણ મંચ
વાઈરલ વિડીયોથી હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે: મંગેશ દેસાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં નવરાત્રી પર્વ દરમિયાન અર્વાચીન રાસોત્સવમાં નિલ સીટી ક્લબના દાંડિયામાં જમાલ કૂડુ અને શકીરાના ગીત વગાડી તેના પર થતા ડાન્સનો વિડીયો વાઈરલ થયા બાદ હવે હિન્દુ સંગઠન મેદાન આવ્યુ છે. હિન્દુ જાગરણના રાજકોટના સંયોજક મંગેશ દેસાઈએ યુનિવર્સિટી પોલીસ મથકમાં અરજી કરી છે અને આ પ્રકારના અશ્ર્લીલ ડાન્સથી હિન્દુઓની લાગણી દુભાઈ હોવાની રજૂઆત કરી છે.
તેમણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, નિલ સીટી ક્લબમાં અર્વાચીન રાસોત્સવનુ આયોજન થયેલું છે. જેમાં 5 ઓક્ટોબરના રાત્રીના સમયે જમાલ કુડુ અને શકીરાના અશ્ર્લીલ ગીતો વગાડી દારૂની બોટલો રાખી અશ્ર્લીલ પ્રકારના ડાન્સ થયેલા છે. જેનો વિડીયો વાઈરલ થયો છે. જેનાથી હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. આ ઉપરાંત રાત્રે 2 વાગ્યે ત્યાં સ્વિમિંગ પૂલમાં રેઇન ડાન્સની પણ પાર્ટીઓ થાય છે. જેથી તાત્કાલિક અસરથી આ બંધ કરાવવામાં આવે અને આ બાબતે સત્વરે પગલા લેવામાં આવે.
તેમણે જણાવ્યું હતુ કે, નિલ સીટી ક્લબમાં અશ્ર્લીલ ગીતો પર ડાન્સના વિડીયો વાઈરલ થતાં હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. જેથી 5 ઓક્ટોબરની આ ઘટના મામલે વિરોધ નોંધાવી 6 ઓકટોબરના રાત્રે અરજી કરેલી છે. પોલીસને અરજી કરવામાં આવતા તેમણે પણ કહ્યું હતું કે, તેઓ ફ્રી ડ્રેસમાં અર્વાચીન રાસોત્સવમાં ફરશે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હશે તો તે બંધ કરાવવામાં આવશે. આ સાથે જ હિન્દુ જાગરણના કાર્યકર્તાઓ પણ અલગ-અલગ અર્વાચીન રાસોત્સવમાં જશે અને આ પ્રકારના અશ્ર્લીલ ગીતો કે ડાન્સ થતા હશે તો તે બંધ કરાવશે.
- Advertisement -
નાચવું અને રાસ એ બંનેમાં ફેર, સરકાર નજર રાખે: પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી
રાજકોટના નીલ સિટી ક્લબ ગરબામાં જમાલ કુડુ અને શકીરાના ગીત પર ખેલૈયાઓએ ડાન્સ કર્યો હતો. જેને લઈને વિવાદ થયો છે. આ ડાન્સના વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, નાચવું અને રાસ લેવો એ બન્નેમાં ફેર છે. સરકારે નજર રાખવી જોઈએ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું હતું કે, જે વિડીયો પ્રસારિત થયા છે એમાં હું તેને વખોડી કાઢું છું. હિન્દુ સંસ્કૃતિ, આપણી પરંપરા અને નવરાત્રિનું મહત્વ. નવરાત્રિ ઉત્સવ એ માતાજીની આરાધનાનો ઉત્સવ છે. ભલે પ્રાચીન ગરબીઓને આજના સમયમાં અર્વાચીન થાય. મોટી સંખ્યામાં યુવાઓ આવીને ત્યાં બધા રાસ લે. નાચવું અને રાસ લેવો એ બન્નેમાં ફેર છે. થર્ટી ફર્સ્ટમાં જે ઉજવણી થાય છે એ નાચવાની થાય છે. નવરાત્રિમાં માની આરાધનાની સાથે રાસ લઈએ છીએ. ત્યારે ગઈકાલે સકીરાના ડાન્સ અને આ પ્રકારે જે આયોજકે કર્યું છે તેને હું સખ્ત શબ્દોમાં વખોડું છું.
ભાગીતળ ગરબાની અંદર આ ન્યૂસન્સ છે: જ્યોર્તિનાથ મહારાજ
સનાતન ધર્મ સમિતિના સંત જ્યોર્તિનાથ મહારાજે જણાવ્યું હતું કે, રાજકોટના એક ગરબામાં ફિલ્મી ગીતો અને નશાના ગીતો વગાડવામાં આવ્યા હતા. દારૂના ગીતો વગાડવામાં આવ્યા. ગરબાની પરમિશન લીધી હોય તો ગરબા જ વગાડવા જોઈએ. ભાગીતળ ગરબાની અંદર આ ન્યૂસન્સ નાખી અને જે પ્રકારનું કૃત્ય થાય છે એ ખરેખર નિંદનીય છે. ક્યાંય ચલાવી લેવાય તેમ નથી. આયોજક સામે પોલીસ એક્શન લેવાવા જોઈએ. વધુમાં જણાવ્યું હતું કે, લોકોએ પણ જાગવાની જરૂર છે. આવું થતું હોય ત્યાં રોકવાની જરૂર છે. યુવાપેઢીની અંદર આવા પ્રોગ્રામ થતા હોય તો તમે શું પ્રેરણા આપો. સંસ્કૃતિની વાતો કરવી છે તો સંસ્કૃતિ સાચવવી પડે. સનાતન ધર્મના તહેવારોમાં આવી બેજવાબજારીપૂર્વકના કૃત્ય થતા હોય તો ત્યાં હાજર પોલીસકર્મીએ પણ ધ્યાન દોરવું જોઈએ. આવું થતું હોય તો તેને રોકવાની કોશિશ કરવી જોઈએ. રોકવું જોઈએ સંસ્કૃતિ વિરૂદ્ધનું કાર્ય થતું હોય તો સમાજે રોકવાની જરૂર છે.