ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
માતાજીના નવલા નોરતા પોરબંદરમાં ધૂમધામથી શરૂ થઈ ગયા છે, અને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ગરબીઓનું આયોજન થઇ રહ્યું છે. આ વર્ષે પોરબંદરમાં 7 મોટી ગરબી, 47 મધ્યમ કક્ષાની ગરબી અને 262 જેટલી નાની ગરબી યોજાઈ રહી છે. નવરાત્રીના પાવન તહેવારમાં ભક્તિની સાથે સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ પોરબંદર પોલીસ દ્વારા ગરબીના મેદાનોમાં નશાખોરો અને તોડફોડ કરનાર તત્વોને અટકાવવા માટે વિશેષ ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. બ્રીથ એનાલાઈઝરના ઉપયોગથી શંકાસ્પદ લોકોને ચકાસવામાં આવી રહ્યા છે. સુરક્ષા માટે 24 કલાકની પેટ્રોલિંગ પણ કમલાબાગ પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ અને અન્ય બ્રાંચોની મદદથી કરવામાં આવી રહી છે. ચોપાટી વિસ્તારમાં યોજાતી મોટી ગરબીઓમાં રિલાયન્સ ફુવારા સર્કલ અને આસપાસના વિસ્તારોમાં ખાસ કડક સુરક્ષા રાખવામાં આવી છે,
- Advertisement -
ખાસ કરીને મહિલાઓ અને બાળાઓની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ સિવાય, રસ્તાઓ પર વાહન ચાલકો માટે પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી શિસ્તબદ્ધ અને સલામત નવરાત્રી તહેવાર ઉજવાઈ શકે.