ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે ગુરુવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં અનેક મોટી યોજનાઓને મંજૂરી અપાઈ છે. દિવાળી પહેલા રેલવેના કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવા બેઠકમાં સહમતી સધાઈ હતી. આ સાથે ખેડૂતોની આવક વધારવા માટે બે મોટી યોજનાઓને પણ મંજૂરી અપાઈ હતી. આ સિવાય ચેન્નઈ મેટ્રો ફેઝ-2ને પણ મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં રેલવે કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ અપાશે. આ બોનસની ચૂકવણી દશેરા અને દિવાળી પૂજાની રચાઓ પહેલાં કરાશે. કેબિનેટના આ નિર્ણયનો રેલવેના અંદાજે 12 લાખ કર્મચારીઓને લાભ મળશે. રેલવે કર્મચારીઓને દિવાળીના તહેવારો પહેલાં 78 દિવસનું બોનસ અપાશે. તેની પાછળ કુલ રૂ. 2,028 કરોડનો ખર્ચ થશે. આ બોનસ રેલવેના 11,72,240 કર્મચારીઓને મળશે. કેબિનેટ બેઠક પછી રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું કે રેલવેના હાલ 13 લાખથી વધુ કર્મચારી છે. તેમાંથી લગભગ 1.59 લાખ કર્મચારીઓ ગયા નાણાકીય વર્ષમાં જોડાયા હતા. સરકારે જાહેર કરેલા બોનસ મુજબ પ્રત્યેક કર્મચારીને 78 દિવસ માટે મહત્તમ 17,951 રૂપિયા મળશે.
- Advertisement -
આ બોનસનો લાભ રેલવે કર્મચારીઓની વિવિધિ કેટેગરી, જેમ કે ટ્રેક મેન્ટેનર, લોકો પાયલટ, ટ્રેન મેનેજર (ગાર્ડ), સ્ટેશન માસ્ટર, ઓબ્ઝર્વર, ટેકનિશિયન, ટેકનિશિયન હેલ્પર, ગૂ્રપ સી સ્ટાફ, પોઈન્ટ્સ મેન, મિનિસ્ટિરયલ સ્ટાફ અને અન્યોને મળશે. કેબિનેટે રેલવેના કર્મચારીઓને બોનસની સાથે ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગના લોકોને ખાદ્ય સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા અંગેના નિર્ણયો પણ લીધા હતા. ખેડૂતો માટે સરકારે પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષોન્તિ યોજના જાહેર કરી છે. આ બંને યોજનાઓ માટે રૂ. 1,01,321 કરોડનું બજેટ નિશ્ર્ચિત કરાયું છે. આ બંને યોજના હેઠળ 9-9 યોજનાનો સમાવેશ કરાયો છે. તેમાં અનેક બાબતોનું સીધું જોડાણ ખેડૂતોની આવક અને મધ્યમ વર્ગ પરિવારોની થાળી સાથે છે.
આ સાથે કેન્દ્રીય કેબિનેટે 2020-21થી 2025-26ના સમય માટે મોટા બંદરો અને ડોક લેબર બોર્ડ્સના કર્મચારીઓ અને કામદારો માટે પ્રોડક્ટિવ લિંક રિવોર્ડ (પીએલઆર) યોજનામાં સુધારાને મંજૂરી આપી છે. આ નિર્ણયથી 20,704 કર્મચારીઓને લાભ મળશે અને આ યોજના પાછળ સરકારને રૂ. 200 કરોડનો ખર્ચ થશે. પીએલઆર યોજના હેઠળ વળતરની ગણતરી હવે ઓલ-ઈન્ડિયા પરફોર્મન્સના બદલે પોર્ટ સ્પેસિફિક પરફોર્ન્સના આધારે થશે. વ્યક્તિગત પોર્ટ પરફોર્મન્સ માટેનું વેઈટેજ 2025-26 સુધીમાં ક્રમશ: 50 ટકાથી વધારીને 60 ટકા કરાશે જ્યારે ઓલ ઈન્ડિયા પરફોર્મન્સ વેઈટેજ 40 ટકા સુધી ઘટાડાશે. બોનસની ગણતરી માટે પગારની મર્યાદા માસિક રૂ. 7,000 કરવામાં આવી છે. વધુમાં કેબિનેટે ચેન્નઈ મેટ્રો ફેઝ-2ને પણ મંજૂરી આપી દીધી છે. તેની પાછળ 63,246 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.