સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી ડાયમંડ ફેક્ટરીમાં આજે ગેસ લાઇનમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેના લીધે દોડધામ મચી જવા પામી હતી. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે જેના લીધે કારખાનામાં કામ કરી રહેલા 14 જેટલા રત્ન કલાકારો દાઝી ગયા હતા. જેમાંથી બે વ્યક્તિની હાલત ગંભીર હોવાનું માહિતી પ્રાપ્ત થઇ છે. આ ઘટનામાં દાઝી ગયેલા તમામ રત્ન કલાકારોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
સુરતના કતારગામમાં હીરાના કારખાનામાં ડાયમંડ ક્લીન કરતી વખતે ગેસ લાઇનમાં જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટની ઘટનામાં 14 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા, જેમાંથી બે હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અહીં ડાયમંડ ઉપરથી ધૂળને દૂર કરવા માટે અને તેને ક્લીન કરવા માટે ગેસ લાઇનનો ઉપયોગ થતો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
બ્લાસ્ટની ઘટનાનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં દાઝી ગયેલા 14 જેટલા લોકોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.