મહાદેવ અને પાર્વતીના ચરણોમાં ડો.શરદ ઠાકરના વંદન. દેવાધિદેવ મહાદેવની વિશેષ ભક્તિનો શ્રાવણ મહિનો વિદાય લઈ ચૂક્યો છે. વિઘ્નહર્તા ભગવાન ગણેશજીનો તહેવાર પણ રંગેચંગે ઉજવાઈ ગયો. હવે જગતજનની મા ભવાની પધારશે. બસ ગણતરીના દિવસો જ બચ્યા છે. મા ભવાનીને જગતજનની એટલા માટે કહેવામાં આવે છે કે આ સૃષ્ટિનું સર્જન, એમાં રહેલું શક્તિ તત્ત્વ એ મા ભવાનીને આભારી છે. શિવ તત્ત્વ આપણા બાહ્ય આવિર્ભાવોને અસર કરે છે, શકિત તત્ત્વ આપણા અંદરના આયામોને ક્રિયાન્વિત કરે છે. શક્તિ તત્ત્વ પ્રાણી માત્રમાં રહેલું હોય છે. સ્ત્રીઓમાં તે વિશેષ હોય છે. પુરુષના જનીનમાં ડ-ઢ હોય છે, તેમાં ડ એ શક્તિ તત્ત્વ છે. સ્ત્રીઓમાં ડ-ડ હોય છે. શક્તિ તત્ત્વનું હંમેશા સન્માન કરો. ઘાતકી કંસ નવજાત બાળકીને જમીન ઉપર પછાડીને મારી નાખવા જતો હતો
ત્યારે મહામાયા તેના હાથમાંથી છટકીને આસમાનમાં પ્રયાણ કરી ગઈ હતી. અહંકારી રાવણે ધરતીમાંથી જન્મેલી શક્તિ માતાનું અપહરણ કર્યું હતું; પછી તેનું કેવુ ફળ રાવણને મળ્યું તે બધા જાણીએ છીએ. શિશુપાળ રુક્મિણીની ઈચ્છા વિરુદ્ધ તેને પરણવા ઈચ્છતો હતો. રુક્મિણી સામે ચાલીને પત્ર લખીને શ્રીકૃષ્ણને પોતાના અપહરણ માટે આમંત્રણ આપે છે અને શ્રીકૃષ્ણ તેને કઈ જગ્યાએથી અપહૃત કરી જાય છે? મા ભવાનીના મંદિર પાસેથી. શક્તિ તત્ત્વનું અપમાન કરવાનો પ્રયત્ન કરશો તો પ્રથમ ત્રણ ઉદાહરણો જેવી આપની દશા થશે. જો શક્તિ તત્ત્વના સાંનિધ્યમાં રહેશો તો તેની કૃપા શ્રીકૃષ્ણ અને રુક્મિણી પર વરસી એવી વરસશે. નવરાત્રિ રૂમઝુમતા પગલે આવી રહી છે. આ નવ દિવસ અને નવ રાત્રિ દરમ્યાન શક્તિ માતાની એટલી આરાધના કરી લો કે તેની કૃપા અને તેની ઊર્જા આખું વરસ આપણને શિવમય માર્ગે પ્રેરતી રહે.