રાજ્ય સરકારે ઇમ્પેકટ ફીનાં નવા દરો જાહેર કર્યા
પાર્કિંગ સ્પેસના અભાવે વાહનો રોડ-શેરીમાં પાર્ક કરાય છે: બિલ્ડિંગના પાર્કિંગ સ્પેસમાં ગેરકાયદે બાંધકામને રેગ્યુલરાઇઝ કરવા સરકારે ફીનાં ધોરણો જાહેર કર્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
રાજ્યની મોટી મહાનગર પાલિકાઓ અને નગરપાલિકા વગેરેમાં સક્ષમ સત્તાની મંજૂરી વગર થયેલાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે ગૃડા એક્ટ જાહેર કરાયા બાદ રાજ્ય સરકારે ગેરકાયદે બાંધકામોમાં ખૂટતા પાર્કિંગ બદલ ફીના દર જાહેર કર્યા છે, જેમાં કોમર્શિયલ કરતાં રહેણાંકનાં ગેરકાયદે બાંધકામોની ખૂટતા પાર્કિંગની ફી ઓછી છે. રાજ્ય સરકારે ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા ઇમ્પેક્ટ ફી જાહેર કરી હતી, પરંતુ પાર્કિંગની જગ્યા વગરનાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા પાર્કિંગ ફી જાહેર કરી નહોતી. જેના માટે રાજ્ય સરકારે મંગળવારે જ એક નોટિફિકેશન જાહેર કર્યુ છે. જેમાં ખૂટતા પાર્કિગંનાં માપ પ્રમાણે મીટર દીઠ ફી નક્કી કરવામાં આવી છે. રાજ્ય સરકારે જારી કરેલાં નોટિફિકેશનમાં મ્યુનિ. વિસ્તારો, નગરપાલિકા વિસ્તારો તેમજ શહેરી વિકાસ સત્તામંડળ(ઔડા-સુડા વગેરે) વિસ્તારો અને અન્ય ડેવલપમેન્ટ એરિયા માટે પણ પાર્કિંગ ફી જાહેર કરી છે અને તેમાં પણ રહેણાંક અને કોમર્શિયલ પ્રકારનાં બાંધકામો માટે મ્યુનિ. વિસ્તારો માટે જાહેર કરાયેલી ફીની સામે ટકાવારી ગણવામાં આવશે તેમ જણાવાયુ છે.
મ્યુનિ. વિસ્તારોમાં રહેણાંક પ્રકારનાં ગેરકાયદે બાંધકામો માટે 200 મીટરથી લઇને 2000 મીટર સુધીનાં ખૂટતા પાર્કિંગ માટે 5000થી લઇને 7500 રૂપિયા પ્રતિ મીટરનાં દરે ફી વસુલ કરવામાં આવશે. જ્યારે કોમર્શિયલ પ્રકારનાં ગેરકાયદે બાંધકામો માટે 200 મીટરથી લઇને 1000 મીટર સુધીનાં ખૂટતા પાર્કિંગ માટે પ્રતિ મીટર 10,000થી લઇને 20,000 રૂપિયા ફી વસુલ કરવામાં આવશે. જ્યારે શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારોમાં આ બન્ને પ્રકારનાં ગેરકાયદે બાંધકામોમા ખૂટતા પાર્કિંગ માટે મ્યુનિ. વિસ્તારો માટે જાહેર કરાયેલી ફીનાં 75 ટકા, નગરપાલિકા વિસ્તાારો માટે 60 ટકા તથા અન્ય ડેવલપમેન્ટ એરિયા માટે 50 ટકા ફી વસુલ કરવામાં આવશે.
- Advertisement -
રહેણાક બાંધકામોમાં ખૂટતાં પાર્કિંગ બદલ કેટલી ફી
200 મીટર સુધી 5000
200થી 500 મીટર 6000
500 મીટરથી વધુ 7500
2000 મીટરથી વધુ 7500
કોમર્શિયલ બાંધકામોમાં ખૂટતાં પાર્કિંગ બદલ કેટલી ફી
200 મીટર સુધી 10000
200થી 1000 મીટર 15000
1000 મીટર સુધી 20000
1000 મીટરથી વધુ 20000
(આ તમામ દર પ્રતિ મીટર દીઠ ગણવામાં આવશે)