પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે નવી લડાઈ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ અફઘાનિસ્તાન
તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ગઈરાત્રે ભારે ફાયરિંગ થયું હતું. આમાં ઓછામાં ઓછા 8 તાલિબાની માર્યા ગયા છે. આ દરમિયાન 16 ઘાયલ થયા છે. ખોસ્ત પ્રાંતમાં સરહદ પર રાત્રે 9 વાગ્યે બંને તરફથી ફાયરિંગ થયું હતું, જે ચાર કલાક સુધી ચાલ્યું હતું. સીમા સુરક્ષા દળ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે માર્યા ગયેલાઓમાં બે વરિષ્ઠ અફઘાન તાલિબાન કમાન્ડર ખલીલ અને જાન મુહમ્મદ પણ સામેલ છે. અથડામણમાં કેટલા પાકિસ્તાની જવાનો માર્યા ગયા તેની કોઈ માહિતી નથી. આ પહેલા પણ 4 સપ્ટેમ્બરની રાત્રે પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે ફાયરિંગ થયું હતું. ખરેખરમાં તાલિબાન સરકાર પાકિસ્તાન સાથે જોડાયેલા સરહદી વિસ્તારોમાં નવી ચોકીઓ બનાવી રહી છે. આ જ કારણ છે કે દરરોજ બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ રહી છે. એક કાલ્પનિક ડ્યુરન્ડ લાઇન પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને અલગ કરે છે, પરંતુ અફઘાનિસ્તાન તેને ઓળખતું નથી.
- Advertisement -
અફઘાનિસ્તાન માને છે કે પશ્ર્તો સમુદાયમાં ભાગલા પાડવા માટે બ્રિટિશ અધિકારીઓ દ્વારા જાણીજોઈને આ લાઈન દોરવામાં આવી હતી. આ જ કારણ છે કે બંને દેશો વચ્ચે આને લઈને વિવાદ ચાલી રહ્યો છે. નિષ્ણાતોના મતે, પાકિસ્તાનને અપેક્ષા હતી કે તાલિબાન શાસન ડ્યુરન્ડ લાઇનને માન્યતા આપશે પરંતુ એવું થયું નહીં. સત્તામાં પાછા આવ્યા પછી, તાલિબાને, જૂની સરકારના વલણને જાળવી રાખીને સરહદી વિસ્તારો પર દાવો કર્યો. આ સિવાય તાલિબાન સરકારે આ વિસ્તારોમાં નવી ચોકીઓ બનાવવાનું શરૂૂ કર્યું. આ દરમિયાન બ્રિટનના પ્રવાસે ગયેલા પાકિસ્તાનના ડેપ્યુટી વડાપ્રધાને આ સ્થિતિ માટે ઈમરાન ખાનને જવાબદાર ઠેરવ્યા છે. ડોનના અહેવાલ મુજબ ઈશાક ડારે કહ્યું કે ઈમરાન સરકારે તાલિબાનને સમર્થન આપવા અને અશરફ ગની સરકારને ઉથલાવી પાડવા માટે આજે દેશ માટે સમસ્યા બની ગયેલા ઘણા આતંકવાદીઓને મુક્ત કર્યા. તેમણે કહ્યું કે આ આતંકવાદીઓ બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સૈનિકોને નિશાન બનાવી રહ્યા છે. શનિવારે લંડનમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ડારે નામ લીધા વગર થ્રી સ્ટાર જનરલનો ઉલ્લેખ કર્યો હતો. ડેપ્યુટી પીએમએ કહ્યું કે કાબુલ જઈને ચા પીવા ગયેલા થ્રી સ્ટાર જનરલના નિર્ણયોથી દેશને ઘણું નુકસાન થયું છે. અમે તે એક કપ ચાની કિંમત ચૂકવીએ છીએ.