ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
ભારત દ્વારા 14 પાકિસ્તાની નાગરિકોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જેમાં 5 પાકિસ્તાની માછીમારોનો સમાવેશ થાય છે, જેઓને 2021માં ભારતીય જળસીમામાંથી પકડી લેવામાં આવ્યા હતા. આ તમામ નાગરિકો આજે વાઘા બોર્ડર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમને પાકિસ્તાનના સુરક્ષા અધિકારીઓને સોંપવામાં આવ્યા.2021માં ભારતીય જળસીમાની અંદર માછીમારી કરતી એક પાકિસ્તાની બોટ અને 5 માછીમારોને ભારતીય નૌકાદળે પકડી લીધા હતા. તેમણે ભારતમાં ઘૂસણખોરીના આરોપસર જેલમાં મુકવામાં આવ્યા હતા. હવે ભારત સરકારે આ 5 માછીમારો સાથે અન્ય 9 પાકિસ્તાની નાગરિકોને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે, જે કોઈ નકશા વિના સરહદ પાર કરી આવ્યા હતા.
- Advertisement -
આ ઉપરાંત, પાકિસ્તાન દ્વારા પણ ભારતીય જળસીમાં માછીમારી કરતા 211 જેટલા ભારતીય માછીમારોને પોતાની જેલોમાં બંધક બનાવવામાં આવ્યા છે. 2020થી 2022 વચ્ચેના આ સમયે, પાકિસ્તાનની જેલોમાં આ માછીમારો બંધક બન્યા છે. પાક. ઇન્ડિયા પીસ ફોરમ દ્વારા અનેક વખત આ બંને દેશોના માછીમારોની મુક્તિ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. પીસ ફોરમના રાષ્ટ્રીય કારોબારી સભ્ય જીવનભાઈ જુગીએ જણાવ્યું હતું કે માછીમારોને મુક્ત કરવા માટે સતત રજુઆતો કરવામાં આવી રહી છે, અને આશા છે કે બંને દેશો આ બાબતમાં માનવતાના ધોરણોને અનુસરીને નિર્ણયો લેશે.