ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં ઇતિહાસ અનુસ્નાતક વિભાગ દ્વારા ઈતિહાસના સંશોધનમાં અભિલેખાગાર નું મહત્વ વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, આ વ્યાખ્યાનના વ્યાખ્યાતા નિયામક ગુજરાત સરકાર અભિલેખાગાર ભવન ગાંધીનગરથી પ્રા.ડો.) શૈલેષભાઈ બી.સોલંકીએ જણાવ્યુ હતુ કે ઇતિહાસલેખન માટેના પાયાના ચાર સિદ્ધાંતોમાં પસંદ કરાયેલ વિષય માટે મૂળ તથા સમકાલીન સાધનો તેમજ દસ્તાવેજોને આધારે હકીકતનું એકત્રીકરણ કે સંશોધન, એકત્ર કરાયેલી માહિતીની વાસ્તવિકતાની પુરાવાના આધારે ચકાસણી તેમજ તેનું પૃથક્કરણ અને વિવેચન, ચકાસણી બાદ વાસ્તવિક કે વિશ્વાસપાત્ર ઠરેલ હકીકતની ક્રમ તથા મુદ્દા પ્રમાણે ગોઠવણી કે તેનું સંકલન, અનુરૂપ વિચાર તથા ભાષામાં તેની રજૂઆત કે તેનું આલેખન છે. ઇતિહાસકારે પોતે પસંદ કરેલા વિષય માટે દસ્તાવેજોનું એકત્રીકરણ કે સંશોધન કરવાનું આવશ્યક છે. આ માટે તેણે પુરાતત્વીય સ્થળો, સરકારી દફતર ભંડાર, સંગ્રહાલયો, ગ્રંથાલયો, ઉચ્ચ શિક્ષણ માટેનાં સંશોધનકેન્દ્રો વગેરેની મુલાકાતો લઈને મૂળ તેમજ સમકાલીન સાધનો જેવાં કે અવશેષો, અભિલેખો, સિક્કા દસ્તાવેજો હસ્તપ્રતો, નોંધો, પત્રવ્યવહાર, સામયિકો, વર્તમાનપત્રો, ગ્રંથો વગેરેનું અધ્યયન કરીને માહિતી એકઠી કરવી જોઈએ.
- Advertisement -
આ પ્રસંગે કાર્યક્રમનાં ઉદઘાટક અને અધ્યક્ષ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ ઉપસ્થિત ઈતિહાસના વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યુ હતુ કે રાષ્ટ્ર, સમાજ તથા માનવજીવનનું સ્વરૂપ સમય, સ્થળ તથા સંજોગો પ્રમાણે પરિવર્તન પામે છે. તેથી ઇતિહાસનું સ્વરૂપ તેમજ કાર્ય પણ પરિવર્તનશીલ છે. ઇતિહાસનું કાર્ય રાજ્યવંશો, યુદ્ધો, રાજવીઓ, સામંતો, ધર્મગુરુઓ, વંશાવળીઓ વગેરેનું નિરૂપણ કરવાનું છે તેવો ઇતિહાસ વિશેનો જૂનો ખ્યાલ યથાર્થ નથી. કશા જ પૂર્વગ્રહ વગર માત્ર સત્યકથન એ જ ઇતિહાસનું ધ્યેય છે.