અમેરિકન ડ્રીમ:ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
આજે પણ તમારે અમેરિકામાં પ્રવેશવું હોય તો જુદા જુદા પ્રકારની વિઝા ફીના રૂપમાં એ હેડ ટેક્સ આપવો પડે છે
- Advertisement -
ચૌદમી અને પંદરમી સદી એ ભારતનો સુવર્ણ યુગ હતો. ભારતમાં બનતાં રેશમી કાપડો અને ભારતીય મરી-મસાલાઓની યુરોપ અને ઈંગ્લેન્ડમાં ખૂબ જ માંગ હતી. ત્યાંથી વહાણો ભારતીય સિલ્ક કાપડ અને મરી-મસાલા લાવવા નીકળતાં. એ વખતે પનામા કેનલ નહોતી. એ બધાં વહાણોને ભારત જવા-આવવા માટે ખૂબ મોટો ચકરાવો લેવો પડતો. આ કારણસર સ્પેનનો વહાણવટુ ક્રિસ્ટોફર કોલંબસ ભારત આવવા માટેનો ટૂંકો રસ્તો ખોજવા નીકળ્યો. પૃથ્વી ગોળ છે એ માન્યતાના આધારે કોલંબસે વિચાર્યું કે હું ઉત્તરમાંથી જઈશ તો દક્ષિણમાં આવેલ ભારતમાં પહોંચી જઈશ. આથી ત્રણ વહાણોનો કાફલો લઈને એ સ્પેનથી ઉત્તર તરફ જવા નીકળ્યો. અનાયાસે એ એક સાવ નવા દેશમાં, જેની ત્યાં સુધી વિશ્ર્વના કોઈને જાણ નહોતી, ત્યાં જઈ પહોંચ્યો. કોલંબસને એમ જ લાગ્યું કે એણે ભારત આવવાનો ટૂંકો રસ્તો ખોજ્યો છે અને એ ભારતમાં જ જઈ પહોંચ્યો છે. આથી એણે એ નવા ખોજેલા દેશના મૂળ વતનીઓ, જેમની ચામડીનો રંગ ભૂરાસ પડતો હતો, એ લોકોને ‘રેડ ઈન્ડિયન’ એવું નામ આપ્યું. કોલંબસ જીવ્યો ત્યાં સુધી એને જાણ જ ન થઈ કે એણે ભારત આવવાનો ટૂંકો રસ્તો નથી ખોજ્યો, પણ એક નવા દેશની ખોજ કરી છે.
કોલંબસે ખોજેલા ત્યાં સુધી અજ્ઞાત એવા દેશને પછીથી ‘અમેરિકા’ નામ આપવામાં આવ્યું. યુરોપ અને ઈંગ્લેન્ડના લોકો એ સમયે એમના રાજા અને ધર્મગુરુઓના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા હતા. રાજાઓ પ્રજાનું રક્ષણ કરવાને બદલે ભક્ષણ કરતા હતા. ધર્મગુરુઓ પણ ધર્મના નામે ભક્તોનું શોષણ કરતા હતા. ઈંગ્લેન્ડમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. બટાટાનો દુકાળ પડ્યો હતો. યુરોપના દેશો પણ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિથી હેરાન-પરેશાન હતા. આ બધાં જ કારણોને લીધે જ્યારે એમને જાણ થઈ કે સ્પેનના ક્રિસ્ટોફર કોલંબસે એક નવા દેશની શોધ કરી છે, જે અત્યંત વિશાળ છે, જ્યાં ખેતીવાડી માટે પુષ્કળ જમીન ઉપલબ્ધ છે, જેની ધરતીમાં તેલના ભંડારો ભર્યા છે અને અખૂટ ખનિજસંપત્તિઓ છે. ત્યાં એમને રોકટોક કરવાવાળું, એમનો પ્રવેશ અટકાવાવાળું, કોઈ નથી, આથી એમણે એ નવા ખોજાયેલા દેશ પ્રત્યે દોટ મૂકી. રોજેરોજ વહાણોનાં વહાણો ભરીને યુરોપ અને ઈંગ્લેન્ડના લોકો અમેરિકા જવા લાગ્યા. ત્યાં વસતા મૂળ રહેવાસીઓ, જેમને કોલંબસે ‘રેડ ઈન્ડિયન’ તરીકે ઓળખાવ્યા હતા એમણે યુરોપ અને ઈંગ્લેન્ડવાસીઓનો અમેરિકામાં પ્રવેશતાં પ્રતિકાર કર્યો, પણ એમની બંદૂકો સામે એ રેડ ઈન્ડિયનોનાં તીર-કામઠાં કામ ન લાગ્યાં. ધીરે ધીરે અમેરિકા જઈને વસેલા યુરોપિયનો અને અંગ્રેજોએ ત્યાં એમની વસાહતો સ્થાપી. પછી એમને વિચાર આવ્યો કે જો આમ ને આમ બધા જ લોકોને અહીં આવવા દઈશું તો તેઓ આ દેશની બધી જ સંપત્તિમાં ભાગ પડાવશે. આથી એમણે સ્થળાંતરનો જે કુદરતી સિદ્ધાંત ‘પુશ એન્ડ પુલ’ છે, એને વેગળો મૂકીને, કાયદાઓ ઘડીને અમેરિકામાં પ્રવેશતા લોકોને ખાળવાનો પ્રયત્ન કર્યો. સૌપ્રથમ એમણે યુરોપ અને ઈંગ્લેન્ડથી વહાણોમાં બેસીને જે લોકો અમેરિકામાં પ્રવેશતાં હતા એ વહાણોના કપ્તાનોને સૂચના આપી કે ‘તમારે તમારાં વહાણમાં પ્રવેશતાં લોકો પાસે ઓછામાં ઓછા પંદર ડોલર છે કે નહીં એ ખાતરી કરી લેવી.’
લોકોએ આનો ઉપાય શોધી કાઢ્યો. આઠ-દસ મિત્રો ભેગાં થાય. દરેક જણ પોતાની પાસે હોય એટલા પચાસ સેન્ટ, એક ડોલર, બે ડોલર્સ, ભેગા કરે. પછી એક વ્યક્તિ વહાણમાં પ્રવેશે. કેપ્ટનને એની પાસે પંદર ડોલર છે એ દેખાડે. વહાણમાં પ્રવેશ્યા બાદ તૂતક ઉપર જઈને એ ડોલર એક પોટલીમાં બાંધે અને પછી નીચે ઊભેલા સાથીઓ ઉપર એ પોટલી ફેંકે. બીજી વ્યક્તિ એ પોટલી લઈને, એની પાસે પંદર ડોલર છે એ દેખાડીને, વહાણમાં પ્રવેશે. ફરી પાછી પહેલાના જેવી જ પ્રક્રિયા તેઓ આદરે. હજુ આજે પણ અમેરિકાના વિઝા મેળવવા માટે અનેકો સગાસંબંધીઓ પાસેથી ઉછીના પૈસા લઈને એમની પાસે જવા-આવવાના, રહેવા-ખાવાના પૈસાની સગવડ છે એવું દેખાડે છે. અમેરિકામાં પ્રવેશતા લોકો ઉપર ‘હેડ ટેક્સ’ એટલે કે ‘મૂંડન વેરો’ લાદવામાં આવ્યો. શરૂઆતમાં એ પચાસ સેન્ટ હતો. જે કોઈ વ્યક્તિને અમેરિકામાં પ્રવેશવું હોય એણે આ પચાસ સેન્ટનો ટેક્સ આપવો પડતો.
- Advertisement -
ધીરે ધીરે એ રકમ વધતી ગઈ. આજે પણ તમારે અમેરિકામાં પ્રવેશવું હોય તો જુદા જુદા પ્રકારની વિઝા ફીના રૂપમાં એ હેડ ટેક્સ આપવો પડે છે. અનિચ્છનીય અને ગેરલાયક લોકોને અમેરિકામાં પ્રવેશવા ન દેવા એવું ઠરાવવામાં આવ્યું અને એક પછી એક પ્રવેશનિષેધનાં કારણો ઘડવામાં આવ્યા. ‘જો તમે ચોર, લુટારા, ગુનેગાર, ધર્માંધ, વેશ્યા, જુગારી હોવ, તો અમે તમને અમેરિકામાં પ્રવેશવા નહીં દઈએ’ આવો પ્રવેશનિષેધનો નિયમ ઘડવામાં આવ્યો. આજે 100થી વધુ એવાં કારણો છે જેની મોજૂદગી તમને અમેરિકામાં પ્રવેશતાં અટકાવે છે. કેલિફોર્નિયામાં સોનું જડ્યું અને સામે કાઠે આવેલ ચાઈનામાંથી ચીનાઓ કામ કરવા દોડી આવ્યા. એમને અટકાવવા અમેરિકાએ 1882માં ‘ધ ચાઈનીઝ એક્સક્લુઝન એક્ટ’ ઘડ્યો. જાપાનના મજૂરો ખૂબ સસ્તા દરે અમેરિકામાં કામ કરવા જતા હતા. એમનો પ્રવાહ ખાળવા માટે અમેરિકાએ જાપાનની સરકાર સાથે ‘જેન્ટલમેન્સ એગ્રીમેન્ટ’ કર્યા, જેની હેઠળ એવું ઠરાવવામાં આવ્યું કે જે કોઈ જાપાનીઝ અમેેરિકામાં મજૂરી કરવા જવા ઈચ્છતો હોય એને જાપાનની સરકારે પાસપોર્ટ આપવો નહીં. આમ એક પછી એક કાયદાઓ ઘડીને, નિયમો બનાવીને અમેરિકા જે ઈમિગ્રન્ટોનો દેશ કહેવાય છે એણે ઈમિગ્રન્ટોને અમેરિકામાં પ્રવેશતાં અટકાવવાના પ્રયાસો કર્યા. અમેરિકાના ‘ધ ઈમિગ્રેસન એન્ડ નેશનાલિટી એક્ટ, 1952’ની વિસ્તૃત જાણકારી હવે પછીના લેખમાં.