ગિર સોમનાથ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી યથાવત
કોડિનારના છાછર ગામે પાણીના સંપની જગ્યા પરનું દબાણ દૂર થતાં ગામજનોમાં ખુશીની લહેર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.29
ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા ગેરકાયદેસર ધોરણે દબાણો દૂર કરવા અંગે સ્વેચ્છાએ સહયોગ આપવા અપીલ કરતા જિલ્લામાં સરકારી જમીન પરના અનધિકૃત દબાણો દૂર કરવાની કાર્યવાહી અવિરત કાર્યરત છે.
સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે સર્વે નં.150/1/પૈ.1 ની જમીનમાંથી તપોવન માધ્યમિક શાળાના બાંધકામ માટે 353 ચો.મી. તથા રમતગમતના મેદાન માટે 3350 ચો. મી. જમીન 30 વર્ષના ભાડાપટ્ટે કલેકટરશ્રી દ્વારા ફાળવવામાં આવેલ,આ ફાળવેલ જગ્યા કરતા હે.1-02-97 ચો.મી. જગ્યા જેની બજાર કિમત આશરે 2 કરોડ 5 લાખ થાય છે જેના ઉપર અનધિકૃત કબ્જો કરેલ હોવાની અને ગેરકાયદેસર શાળા, હોસ્ટેલ, પ્રાર્થના હોલ અને ટોઇલેટ બ્લોક બનાવેલ હોવાની લેન્ડ ગ્રબિંગ એક્ટ હેઠળ ફરિયાદ મળતા અને સદરહુ દબાણ કર્યા હોવાનું સાબિત થતાં, આજરોજ શાળાના ટ્રસ્ટીઓ દ્વારા સ્વેચ્છિક આશરે 1050 ચો.મી. ક્ષેત્રફળ પરનું દબાણ દૂર કરેલ છે.જેની બજાર કિંમત આશરે 51 લાખની થાય છે. હજુપણ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે.આગમી 2-3 દિવસોમાં આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે.
આ ઉપરાંત કોડીનાર તાલુકાના છાછર ગામે ગામતળની જમીન ઉપર કુલ 7 દબાણદારો દ્વારા પાણી-પુરવઠાનો સંપ બનાવવાની મંજુર થયેલ જગ્યા પર કરવામાં આવેલ અસ્થાયી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.જેનાથી ગામતળની આશરે રૂ.50/ લાખની 6,000 ચો.મી. જમીન આજરોજ ખુલ્લી કરવામાં આવી છે.હવે આ જગ્યા પર પીવાના પાણીનો સંપ બનશે.જેનાથી ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યાનું હકારત્મક નિરાકરણ આવશે. વધુમાં,કોડિનાર તાલુકાનાં ચૌહાણની ખાણ ગામના સીમતળના રસ્તા / વોકળાનું આશરે 800 મીટર દબાણ ખુલ્લુ કરાવવામાં આવેલ છે.જેની કિંમત આશરે રૂ.16 લાખ જેટલી થાય છે.આવતીકાલ પણ આ કામગીરી ચાલુ રહેશે.