તમારી ગર્લફ્રેન્ડ -પત્નીને ખુશ રાખવાનું કામ બહુ આકરું નથી. તેનાં માટે તમારે તેનાં મિત્ર બનવું પડશે, સાથી બનવું પડશે, પ્રેમી બનવું પડશે.
નારીવાદીઓ દસકાઓથી નારી તરફી ઝૂંબેશ ચલાવી રહ્યાં છે. વખત જતા ક્યારે આ ચળવળ નારીની તરફેણ કરવામાંથી ફંટાઈ ને ‘પુરુષનો અધિકાર’ કરવામાં ફેલાઈ ગઈ એ કોઈને ખ્યાલ પણ ન રહ્યો. જો કે પુરુષોમાં સામાન્યત: કોમન સેન્સનો અભાવ હોતો નથી તેથી જ આવી ચળવળની વિરૂદ્ધ ‘પ્રતિ ઝૂંબેશ’ કરવાનું તેને બહુ રુચતું નથી. ઇતિહાસ સાક્ષી છે: નારીવાદી સંસ્થાઓને બ્લોક બસ્ટર સફળતા મળે છે અને પત્ની પીડિત પતિઓમાં મંચ બનતા પહેલા જ ભાંગી જાય છે. પ્રકૃતિએ આ એક ગજબનાક બેલેન્સ સર્જ્યુ છે. આવું સંતુલન ન હોય તો જગત આખું બે છાવણીઓમાં વહેંચાઈ ગયું હોય અને 24-7-365 દિવસ ધરણાલીલા તથા વિરોધ તમાસાઓ ચાલતા હોય.
- Advertisement -
ઈશ્વરે પુરુષને આવી બધી વાતો હળવાશથી લેવાની સેન્સ ઓફ હ્યુમન પણ આપેલી છે. એટલે જ એ આવી વાતોને હસી કાઢતા જાણે છે. આવા અભિગમને લીધે જ તેમાં દિમાગમાંથી રમુજસભર રત્નકણિકાઓ ઝરતી રહે છે અને કળિકાળમાં વ઼્હોટસ એપ, ફેસબૂક, કે ટ્વિટર જેવાં માધ્યમો દ્વારા એ ફેલાવતી રહે છે. તમારી ગર્લફ્રેન્ડ -પત્નીને ખુશ રાખવાનું કામ બહુ આકરું નથી. તેનાં માટે તમારે તેનાં મિત્ર બનવું પડશે, સાથી બનવું પડશે, પ્રેમી બનવું પડશે. ક્યારેક તમારે તેનાં ભાઈ બનવાનું રહેશે, ક્યારેક પિતા. કોઈ વખત પતિની ભૂમિકા પણ ભજવવી પડે અને રસોઈયાનો રોલ પણ કરવો પડે. શક્ય છે કે કોઈ વખતે ઇલેક્ટ્રિશિયન બનવું પડે, સૂથાર, પ્લમ્બર, મીકેનિક અથવા ઈન્ટીરિયલ ડેકોરેટર પણ બનવાનું રહે. બહુ આસાન છે, સ્ત્રીને ખુશ રાખવાનું કાર્ય. સમય આવ્યે સેક્સોલોજિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ કે સાયકોલોજિસ્ટ બનવાનું રહેશે. શક્ય છે કે, ક્યારેક જીવાતો કાઢનાર પેસ્ટ ક્ધટ્રોલરની ભૂમિકા પણ અદા કરવી પડે. સાઇકિયટ્રિસ્ટ પણ બનવું પડે અને હીલર પણ બનવાનું રહે. શક્ય હોય તો સારા શ્રોતા બનો, એક ઉત્તમ આયોજનકર્તા બનો, સારા પિતા બનો અને ઉત્તમ જમાઈ બની દેખાડો. એથ્લીટ પણ બનવું જોઈશે અને અંગ્રેજીમાં જેને સીમ્પથેટિક કહે છે તેવા બની સ્ત્રીને સહાનુભૂતિ પણ આપવાની રહેશે.
*બિલકુલ કપરું નથી. થોડી ઉષ્મા પણ દાખવવાની છે, એકદમ ઈન્ટેલિજન્ટ બનવાનું છે, તેને હંમેશા એટેન્ડ કરવાન છે. ટફ પણ બનવાનું છે અને મૃદુ પણ થવાનું છે. બહાદુર બનવું અને એકદમ ફની થઈને વન લાઈનર સંભળાવ્યા કરવાનું. સ્ટ્રોંગ પણ બનો અને ક્રીએટિવ પણ થવાનું. સક્ષણ બનો અને સત્યવાન થાઓ. તેની પાસે સહનશીલ બનો, મહત્ત્વાકાંક્ષી બનો અને લોખંડી મનોબળના સ્વામિ બની દેખાડો. ખડતલ બનો, હેલ્થ કોન્શિયસ થાઓ અને ડાયેટ કોન્શિયસ બની જાઓ. તેનાં માટે પેશનેટ બનો.
અને આટઆટલું બનતી વખતે કેટલીક મહત્ત્વની બાબતો ક્યારેય ભૂલાય નહીં તેનો ખ્યાલ રાખવો. ઉદાહરણ તરીકે, સ્ત્રીને તેની દરેક નાની-મોટી માઈક્રો-મેક્રો કે નેનો સિદ્ધિ માટે કોમ્પ્લિમેન્ટ્સ આપવાનું ક્યારેય ભૂલશો નહીં. શોપિંગને હંમેશા પ્રેમ કરો. એ એક મહાન પ્રવૃત્તિ છે, મહાન કર્મ છે. તેની સાથે હંમેશા ઇમાનદાર બનશો, સાથોસાથ ધનવાન પણ બનશો. ક્યારેય તેનાં સ્ટ્રેસનું કારણ બનશો નહીં અને અ્ન્ય સ્ત્રી ભણી દૃષ્ટિ રાખશો નહીં. સાવ આસાન છે, સ્ત્રીને ખુશ રાખવાનું. પુરુષે કેવા બનવું એ વિશેની ટૂંકી યાદી આપણે જોઈ. કઈ બાબતોનો ખ્યાલ રાખવો એ અંગે પણ શાસ્ત્રાર્થ કર્યો.
- Advertisement -
શ્રીમતીજી જાતજાતની શંકાઓ અને ગેરશંકાઓ કરે, તમારી ખામોશી વિશે તેમાં ખુદનાં અર્ધઘટનો હોય
આટલું કર્યા પછી પુરુષએ કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો યાદ રાખવાની છે, જો એ યાદ રહી જાય તો ભવસાગર તરી ગયા ગણાય: ગર્લફ્રેન્ડ-પત્નીનો બર્થ ડે યાદ રાખો. અંગ્રેજી તારીખ ઉપરાંત દેશી તિથિ મુજબ પણ યાદ રાખી શકાય તો ઉત્તમ. એનિવર્સરી યાદ રાખવી. પણ સ્મરણ રહે: એનિવર્સરીના અનેક પ્રકારો હોય છે, પેટા પ્રકારો હોય છે. ઉદાહરણ તરીકે: લગ્નની વર્ષગાંઠ ઉપરાંત, પ્રથમ મુલાકાતની વર્ષગાંઠ, જે દિવસે તમે પ્રપોઝ કર્યું હોય તેની એનિવર્સરી, પ્રથમ વખત સાથે ફરવા ગયા હો તની એનિવર્સરી, સગાઈની વર્ષગાંઠ, પ્રથમ ચૂંબકની એનિવર્સરી… આ યાદી હજુ લાંબી થઈ શકે છે. આપણે યાદ એ રાખવાનું છે કે બધુ યાદ રાખવાનું છે.
બીજુ શું-શું યાદ રાખશો?: તમારી પ્રેમિકા-પત્નીનો ફેવરિટ કલર, પ્રિય ફૂલ અને મનપસંદ પરફ્યૂમ. તેનાં ફેવરિટ ફ્રેન્ડ્સ, સૌથી પ્રિય રેસ્ટોરાં અને ભાવતી વાનગીઓ, ચંપલ માટે તેના પગની સાઈઝ. ડ્રેસમાં ચૂડિદાર ગમે છે કેસલ્વાર-કમીઝ કે પછી લોગિન્ગ્સ અને કૂર્તિ કે એથનિક ટોપ… તેની ફેવરિટ સીરિયલ્સ, પ્રિય હીરો-હીરોઈન અને સૌથી વધુ પસંદ હોય તેવા ગીતો, ફિલ્મો અને એવી અત્યંત મહત્ત્વપૂર્ણ બાબતો.
સ્મરણ રહે કે બહારની ચિંતા તમે બહાર છોડી ને ગૃહ પ્રવેશ કરજો. પુરુષનાં ચહેરા પર હળવાશ ન હોય અને વ્યગ્રતાનાં ભાવ હોય તો સ્ત્રીનાં મનમાં અનેક પ્રકારની શંકા-કૂશંકા જન્મે છે. શરૂઆત એમ થાય છે કે, ‘આ મારી સાથે વાત કેમ કરતા નથી!’
બીજો વિચાર એ આવશે કે, ‘શું હવે હું પહેલા જેવી સુંદર નથી રહી?’
(એ વાત અલગ છે કે અગાઉ પણ એ કંઈ એટલી સુંદર નહોતી જેટલું એ માને છે!)
પછી તેનાં મગજમાં વિચાર ઝબકે છે: ‘શું મારુ વજન બહુ વધી ગયું હશે!’
(વાસ્તવિકતા એ છે કે, એ હંમેશાથી વધુ પડતી ભરાવદાર હતી!)
વિચારોનો આ ચરખો કેમેય કરીને અટકતો નથી. આગળ જતા તેને લાગે છે:
‘ક્યાંક મારા માથાનાં પેલા બે-ચાર સફેદ વાળ અને આંખ નીચેના ડાર્ક સર્કલ્સ પર તેમનું ધ્યાન નહીં ગયું હોય ને!’
(સત્ય એ છે કે આમ પણ તેની ત્વચા એકદમ ચુસ્ત-દુરસ્ત ન હતી અને હેર કલર એ છાનીમાની પાર્લરમાં કરાવી આવે છે એ તમને ખ્યાલ જ હોય છે!)
આટલેથી વાત અટકતી નથી. છેલ્લો અને સૌથી ભયાનક વિચાર એ આવે છે કે ‘ક્યાંક એમનું બીજી કોઈ સાથે ચક્કર તો નહીં ચાલ્યું હોય ને!’
(એવા કિસ્મત બધા પુરુષોનાં નથી હોતા!)
શ્રીમતીજી જાતજાતની શંકાઓ અને ગેરશંકાઓ કરે છે. તમારી ખામોશી વિશે તેમાં ખુદનાં અર્ધઘટનો હોય છે, પોતાનાં ફ્રેન્ડઝ હોય છે. જ્યારે હકીકત એ છે કે, તમે બહારથી આવ્યા ત્યારથી તમારા દિમાગમાં માત્ર એક અને એક જ વાત ઘુમરાતી હતી: ‘મહેદ્રસિંહ ધોની આ ઈશાંત શર્માને શા માટે ટીમમાં લે છે!’ સ્ત્રી-પુરુષનાં સંબંધો બહુ અજબગજબ હોય છે. એ શા માટે ટકી જતા હોય છે અને તેનો શા કારણે વિચ્છેદ થતો હોય છે તેનાં કોઈ વૈજ્ઞાનિક કારણો નથી હોતા.
પણ એટલું નક્કી છે કે, આ વિષય બહુ રસપ્રદ છે. જગતનાં તમામ મહાન ચિંતકોને અને લેખકોને આ વિષયએ અપીલ કરી છે. વન લાઈનર્સથી શરૂ કરી ને તેનાં પર મહાનવલો પણ લખાઈ છે, લખાતી રહી છે, રહેશે. સોશ્યિલ મીડિયા પર આ વિષયે વાંચવા મળતી સામગ્રીની મજા એ છે કે એમાં થોરામાં ઝાઝું કહેવાતું હોય છે.
કોઈએ કહ્યું છે: સ્ત્રી આપણને મહાન કાર્યો કરવા માટે પ્રેરણા આપે છે અને આપણે એ કાર્યો સિદ્ધ ન કરીએ તેનો ખ્યાલ રાખે છે! આ લખાય છે ત્યાં જ અમારા મોબાઈલ પર વ્હોટ્સએપમાં મેસેજ ટપકે છે, તમારી પત્નીનો બર્થ ડે યાદ રાખવાની શ્રેષ્ઠ પદ્ધતિ એ છે કે, એક વખત એ ભુલી જવાની ગુસ્તાખી કરી જુઓ! આ જ મેસેજમાં અનેક વન લાઈનર્સ છે: ‘હું અને મારી પત્ની વીસ વર્ષ સુધી સુખી હતા.
પછી અમે મળ્યા.’ હજુ ખજાનો ખૂલ્યો નથી, આવનારા દિવસોમાં આ કિંમતી-મૂલ્યવાન વાતો આપણે શેર કરતા રહીશું. ત્યાં સુધી આ બોધપાઠ યાદ રાખજો: ‘જ્યારે તમે ખોટા હો ત્યારે તમારી ભૂલનો સ્વીકાર કરજો. જ્યારે સાચા હો ત્યારે ચૂપ રહેજો.’
મોડર્ન યુગ, મોડર્ન પુરુષ, મોડર્ન રત્નકણિકાઓ!
આજ સુધી આપણે હંમેશા સ્ત્રીઓનો પક્ષ જાણ્યો છે. હવે પુરુષોનો પક્ષ જાણીએ. આ છે પુરુષની ભગવદ્ગીતા. તેમાં કેટલાંક અદ્ભુત સિદ્ધાંતો આપ્યા છે. પુરુષ એ વાંચે કે ન વાંચે, સ્ત્રીઓએ અવશ્ય વાંચવું. કારણ કે, તેનું વાંચન પુરુષોની મનોસ્થિતિ સમજવા સ્ત્રીઓને મદદ કરશે
(1) શોપિંગ કોઈ સ્માર્ટ નથી અને અમને તેમાં કોઈ સ્પોર્ટ જેવી થ્રિલ મળતી પણ નથી. તમારું તમે જાણો!
(2) રડવું એ અમારી ડિક્ષનરીમાં બ્લેક મેઈલિંગનો પર્યાયવાચક શબ્દ છે.
(3) તમારી સમસ્યા લઈ અમારી પાસે તો અને અને તો જ આવવું જો એ સમસ્યાનું તમે નિરાકરણ ઈચ્છતાં હો. સહાનુભૂતિ જ ખપની હોય તો તમારા બોયફ્રેન્ડ છે જ.
(4) છ મહિના પહેલા અમે કોઈ સ્ટેટમેન્ટ કર્યું હોય તો આજની તારીખે આપમેળે તેને રદ્દબાતલ ગણવું. ઇન્ફેક્ટ, અમારા દરેક આવા સ્ટેટમેન્ટની વેલિડિટી ફક્ત સાત દિવસની છે.
(5) જો તમે કેટરિના કૈફ જેવા ન લાગતા હો અને દીપિકા જેવાં કપડાં ન પહેલતા હો તો અમારી પાસેથી શાહીદ જેવા લુકની કે સલમાન જેવી દિલેરીની અપેક્ષા રાખશો નહીં.
(6) જો અમે કંઈ કહીએ તેના બે અર્થ નીકળતા હોય અને તેમાંનો પ્રથમ અર્થ તમને દુ:ખ પહોંચાડતો હોય તો દ્વિતિય અર્થ માન્ય રાખવો. અર્થ નંબર બે જો અર્થ નબંર એક કરતા વધુ આઘાતજનક હોય તો આખી વાત ભૂલી જવી.
(7) જો કાઈ કામ તમે અમારી પાસે કરાવવા માંગતા હોય તો સ્પષ્ટપણે એ કામ વિશે કહો. એ કામ કેવી રીતે કરવું એ વિશે સલાહની આવશ્યકતા નથી. કાર્ય અને તે પરિપૂર્ણ કરવાની પદ્ધતિ એમ બેઉ બાબતો વિશે તમને ખ્યાલ હોય તો એ કામ જાતે જ કરી લેવું.
(8) ક્રિસ્ટોફર કોલંબસને એક આખો ખંડ શોધવા માટે પણ કોઈના નિર્દેશનની જરૂર પડી નહોતી, અમને પણ એવી આવશ્યકતા નથી.
(9) જો તમને લાગે છે કે, તમારું શરીર વધુ પડતું છે અને બાજુવાળી બીના કરતા તમે જાડા છો તો એ વિશે અમને પૂછતાં નહીં. તમે જાડા જ છો.
(11) જો તમારી પાસે એવા પ્રશ્નો છે – જેનો જવાબ સાંભળવા તમે ઈચ્છતા નથી તો એવા જવાબ સાંભળવાની તૈયારી રાખો જે તમને ગમતા નથી.
(12) તમારે અમને ‘શુ વિચારમાં ડૂબ્યા છો!’ એવો સવાલ પૂછવો હોય અને જવાબ સાંભળવો ન હોય તો આવા પ્રશ્નો કરશો જ નહીં. જો એક વખત આવો પ્રશ્ન કર્યો તો એટલા જ ઉત્સાહથી અમારો જવાબ સાંભળજો – જેટલી સ્ફૂર્તિથી તમે જ્વેલરી, ડ્રેસ અને સિરીયલ્સ વિશે વાત કરો છો.
(13) તમારી પાસે પૂરતા વસ્ત્રોનો સ્ટોક છે. આવનારાં બે વર્ષ સુધી રૂમાલ સુદ્ધાં ખરીદ નહીં કરો તો પણ ચાલશે.
(14) અમારા મિત્રો તેમની પત્ની સાથે કે ગર્લફ્રેન્ડ સાથે કેટલાં ડાહ્યાંડમરાં છે એ વિશે વાત કરશો નહીં. નહીંતર અમારે પણ મિત્રોની પત્નીઓના કે ગર્લફ્રેન્ડના ડહાપણ વિશેનાં ઉદાહરણો આપવા પડશે. વાત ત્યાંથી નહીં પતે તો મિત્રની પત્ની કે ગર્લફ્રેન્ડના સૌંદર્યના તમારા મોઢે વખાણ કરવાનાં રહેશે.
(15) અમારી નાની-મોટી ભૂલોની અવગણના કરશો તો સંસાર સરળતાથી વહેતો રહેશે. ઉત્તમ સ્ત્રી એને કહેવાય જે દરેક વખતે ખૂદ ભૂલો કરી ને એ ભૂલો બદલ પોતાનાં પુરુષને માફ કરી દેતી હોય.