એક અઠવાડિયામાં ગુજરાત પોલીસે 836 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગુજરાત પોલીસે તા.1લી ઓગષ્ટથી તા.7મી ઓગષ્ટ સુધીમાં અલગ અલગ 9 સ્થળે દરોડા પાડીને રૂ.836.36 કરોડની કિંમતનો ચરસ, ગાંજો અને ટ્રામાડોલ લિક્વીડ ટેબ્લેટ સહિતનો મુદ્દામાલ સીઝ કરી 14 આરોપીઓ સામે નાર્કોટીક્સના ગુના દાખલ કર્યા છે.
પોલીસની વિવિધ ટીમોએ પાડેલા દરોડામાં પકડાયેલા ડ્રગ્સમાં ચરસ, ગાંજો, લિક્વીડ મેર્ફેડ્રોન (એમ.ડી) અને ટ્રામાડોલ લિક્વીડ ટેબ્લેટનો સમાવેશ થાય છે. જેમાં એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોડ (એ.ટી.એસ) દ્વારા બે અલગ અલગ દરોડામાં રૂ.831 કરોડથી વધુ કિંમતના ટ્રામાડોલ લિક્વીડ ટેબ્લેટ તથા એમ.ડી.ના 793.232 કિલોના જથ્થા સાથે સાત આરોપીઓને પકડી આ ડ્રગ્સના આકાઓ સુધી પહોંચવા ડિટેઇલ ઇન્વેસ્ટીગેશન શરૂ કર્યુ છે. અમદાવાદ શહેર, પશ્ચિમ કચ્છ, નવસારી, પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ અને સી.આઇ.ડી દ્વારા રૂ.2.38 લાખના ગાંજાના 25.632 કિલો મુદ્દામાલ સાથે 7 આરોપીઓને પકડયા હતા. પોરબંદર અને ગીર સોમનાથ ખાતેથી પોલીસ દ્વારા રૂ.5.32 કરોડથી વધુ કિંમતના 12.041 કિલો ચરસનો જથ્થો ઝડપાયો છે. ગૃહ રાજયમંત્રી હર્ષ સંધવીએ કહ્યુ હતુ કે ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવી આપતા કેફી દ્રવ્યના કારોબારને જડમૂળથી ઉખાડી ર્ફેંકવા ગુજરાત પોલીસ સુપર એક્ટીવ છે. જેના પરિણામે ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ દેશમાં અવ્વલ છે.



