મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમર્જન્સીનો સંપર્ક સાધી તાત્કાલિક બચાવ વ્યવસ્થા કરાવી
ખાસ-ખબર ન્યૂઝ લિંચોલી, તા.2
- Advertisement -
કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લિંચોલી નજીક વરસાદ અને લેન્ડ સ્લાઈડને કારણે ફસાઈ ગયા હતા. કેદારનાથમાં વરસાદ અને લેન્ડ સ્લાઈડમાં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોનું ગણતરીના કલાકોમાં જ રેસ્ક્યૂ કરાયું હતું. તમામ યાત્રીઓ સહીસલામત નીચે આવી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર મારફતે ઉત્તરાખંડ SEOCનો સંપર્ક સાધી તાત્કાલિક બચાવ વ્યવસ્થા કરાવી હતી.
ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન બાદ કેદારનાથ યાત્રા બે દિવસ માટે રોકી દેવામાં આવી છે. રાજ્યમાં 48 કલાક સુધી ભારે વરસાદનું એલર્ટ છે. આ કારણે NDRFની 12 ટીમો અને SDRFની 60 ટીમો તૈનાત કરવામાં આવી છે. કેદારનાથમાં વાદળ ફાટ્યા બાદ લિંચોલી અને ભીંબલીમાં પગપાળા માર્ગ પર ફસાયેલા 2000થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તેમને બચાવવા માટે ચિનૂક અને MI-17 હેલિકોપ્ટર સહિત 7 હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. જો કે હજુ 300 યાત્રાળુઓ ફસાયેલા છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે હરિદ્વાર, દેહરાદૂન, તેહરી, રુદ્રપ્રયાગ અને નૈનીતાલમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. કેદારનાથ બાદ શુક્રવારે સવારે સોનપ્રયાગમાં પણ ભૂસ્ખલન થયું હતું. અહીં, હવામાન વિભાગે શુક્રવારે (2 ઓગસ્ટ) 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મધ્યપ્રદેશના 11 જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ છે, જે આગામી 4 દિવસ સુધી રહેશે.
- Advertisement -
ઉત્તરાખંડ: રાહત અને બચાવમાં 72 ટીમ લાગી
રુદ્રપ્રયાગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર એનકે રાજવારના જણાવ્યા અનુસાર, ગૌરીકુંડથી શરૂ થતા 16 કિલોમીટર લાંબા કેદારનાથ ટ્રેકને ઘોડા પડાવ, લિંચોલી, બડી લિંચોલી અને ભીંબલીમાં નુકસાન થયું છે. રામબાડા પાસેના બે પુલ પણ ગઈરાત્રે ધોવાઈ ગયા હતા. કેદારનાથમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાજ્ય સરકારે એરફોર્સની મદદ લીધી છે. એનડીઆરએફની 12 ટીમ, આઈએનએસ અને એસડીઆરએફની 60 ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.