ગઈ કાલે સંસદમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ રજુ કર્યું, જેની સામે વિપક્ષે નારાજગી વ્યક્ત કરી છે. કેન્દ્રીય બજેટમાં વિપક્ષ શાસિત રાજ્યોની અવગણ કરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેના કારણે ચોમાસુ સત્ર દરમિયાન INDIA એલાયન્સના સાંસદોએ હોબાળો કર્યો છે.
આજે લોકસભામાં પ્રશ્નોત્તરીકાળ શરૂ થતાં જ વિપક્ષના સાંસદોએ હોબાળો શરૂ કરી દીધો હતો. જેના પર લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સખત નારાજગી વ્યક્ત કરી હતી અને સ્પીકરે કહ્યું કે આ વિરોધ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી રહ્યો છે. કેટલાક સાંસદોએ મને લેખિતમાં કહ્યું કે સંસદના મુખ્ય દ્વાર પર વિરોધ કરી રહેલા વિપક્ષી સાંસદોએ તેમને અંદર આવતા અટકાવ્યા.
- Advertisement -
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ બજેટ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું “કેન્દ્રીય બજેટમાં ઘણાને ન્યાય મળ્યો નથી. અમે ન્યાય માટે લડી રહ્યા છીએ.”
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કેરળ માટે ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે જોગવાઈઓના અભાવ અંગે નિરાશા વ્યક્ત કરી હતી.
શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને તેને ‘કુર્સી બચાવો’ બજેટ ગણાવ્યું. રાઉત કહ્યું કે “એક સમય હતો જ્યારે ગુજરાતના વેપારીઓ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ખંડણીના પૈસા આપતા હતા… મને લાગે છે કે આ જ વેપારીઓએ પોતાની ખુરશી બચાવવા માટે બિહારના નીતિશ કુમાર અને આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુને ખંડણીના પૈસા આપ્યા છે.”
- Advertisement -
TMC સાંસદ સાગરિકા ઘોસે બજેટમાં કોઓપરેટીવ ફેડરાલીઝ્મના અભાવની ટીકા કરી હતી.
વિશેષ જાહેરાતો કરવામાં આવી નથી. આ મામલે હવે વિપક્ષ જોરદાર રીતે હોબાળો મચાવી રહ્યો છે.
રાજ્યસભાના અધ્યક્ષે વિપક્ષના વોકઆઉટ પર નારાજગી વ્યક્ત કરી
કેન્દ્રીય બજેટ સામે વિપક્ષના સાંસદો દ્વારા રાજ્યસભામાંથી વોકઆઉટ બદલ ગૃહના સ્પીકર જગદીપ ધનખડે કહ્યું, “માનનીય સભ્યો, આજે બજેટ પરની ચર્ચા સૂચિબદ્ધ હતી અને મેં વિપક્ષના નેતાથી આશા રાખી હતી કે નિયમોનું પાલન કરવામાં આવશે. હું તમને ભારપૂર્વક વિનંતી કરું છું. જો વિક્ષેપ અને અવરોધને રાજકીય વ્યૂહરચના તરીકે શસ્ત્ર બનાવવામાં આવશે તો લોકશાહી ગંભીર ખતરાનો સામનો કરશે. સંસદ બંધારણીય અને લોકશાહી મૂલ્યો અને સ્વતંત્રતાઓનું ગઢ છે. મને ખરેખર આશ્ચર્ય થાય છે કે આજે અને પછીના દિવસોમાં જ્યારે અમને નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ પર વિચાર કરવાની પૂરતી તક મળશે.
ખેડૂતોને સંસદમાં આવવા દેવાની સરકાર ના પાડી રહી છે : રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ખેડૂતોને અહીં મળવા આવવા આમંત્રિત કર્યા હતા પણ સત્તાપક્ષ ખેડૂતોને સંસદમાં આવવા દેવાની ના પાડે છે, કદાચ એવું એટલા માટે કેમ કે અમે જેમને આમંત્રિત કર્યા એ લોકો ખેડૂતો છે.
આ બજેટમાં ફક્ત બે રાજ્યો માટે જ બધુ : ખડગે
સામાન્ય બજેટ અંગે રાજ્યસભામાં ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું કે આ બજેટમાં ફક્ત બે રાજ્યોના સિવાય કોઈ રાજ્યને કંઈ મળ્યું નથી. આવું બજેટ મેં ક્યારેય જોયું નથી. ફક્ત બે રાજ્યોની થાળીમાં પકોડા દેખાય છે. આ સત્તા બચાવવા માટે બધુ કરાયું છે. અમે તેની ટીકા કરીએ છીએ અને તેનો વિરોધ કરીએ છીએ. I.N.D.I.A. ગઠબંધન આ બજેટનો વિરોધ કરે છે. જો સંતુલન નહીં રાખો તો વિકાસ કેવી રીતે થશે?
ખડગેએ શું કહ્યું?
કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ‘આ બજેટ માત્ર તેમના (BJP) સહયોગીઓને સંતોષવા માટે છે. સરકારે કોઈને કંઈ આપ્યું નથી. આ અન્યાય છે…અમે વિરોધ કરીશું.’ તો બીજી તરફ શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, ‘આ વિરોધ બજેટમાં ભેદભાવ સામે છે. તમામ વિપક્ષ શાસિત રાજ્યોની અવગણના કરવામાં આવી છે.’
અખિલેશનો સરકાર પર પ્રહાર
બજેટ અંગે સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે, અમે બધા માંગ કરી રહ્યા હતા કે ખેડૂતોને MSP મળવી જોઈએ, પરંતુ ખેડૂતોને ટેકાના ભાવની જગ્યાએ મોદી સરકાર 3.0ની ગઠબંધનવાળી સરકારના ભાગીદારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું જેથી પોતાની સરકારને બચાવી શકાય. મોંઘવારી મામલે સરકાર કંઈ નક્કર પગલાં લઈ શકી નથી. ઉત્તર પ્રદેશ માટે કોઈ જાહેરાત નહીં. જ્યારે યુપીમાં તો ડબલ એન્જિનની સરકાર છે ને!
સંસદ બહાર વિપક્ષના દેખાવ
સંસદ બહાર વિપક્ષે મોટાપાયે દેખાવ કર્યા હતા. વિપક્ષના સાંસદોએ આરોપ મૂક્યો હતો કે બજેટમાં મોદી સરકાર દ્વારા ભેદભાવ કરાયો છે. આ દેખાવોમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ જોડાયા હતા.
રાહુલ ગાંધીનો મોટો નિર્ણય – બજેટ વિશે નહીં બોલે કેમ કે…
લોકસભામાં બજેટ પર બોલવા માટે કોંગ્રેસને કુલ 4 કલાકનો સમય મળ્યો છે. કુમારી શૈલજા અને શશિ થરૂર ચર્ચાની શરૂઆત કરશે. પ્રણિતી શિંદે પણ ચર્ચામાં ભાગ લેશે. કોંગ્રેસ સાંસદો સાથે ગઈકાલની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તમામ સાંસદોને બોલવાની તક મળવી જોઈએ. મેં એક વાર ભાષણ આપ્યું છે એટલે મારે બોલવાની જરૂર નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે હું ઈચ્છું છે કે પાર્ટીના તમામ સાંસદો દરેક મુદ્દા પર પોતાનો મત વ્યક્ત કરે. દરેક મુદ્દા પર માત્ર એક-બે નેતા બોલે તેવું ન થવું જોઈએ.