ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.4
રાજકોટના TRPહત્યાકાંડે અનેક અધિકારીઓ, પદાધિકારીઓ, ધારાસભ્ય-પૂર્વધારાસભ્ય, સાંસદો, પોલીસ અધિકારીઓ અને આખા ભ્રષ્ટ તંત્રનો અસલી ચહેરો ઉઘાડો કર્યો છે. ગુજરાત સરકાર, ગૃહ મંત્રાલય, સ્થાનિક પોલીસ, મહાનગરપાલિકા વગેરે કેટલી હદ સુધી ખરડાયેલા છે અને કલંકિત છે- તેની જાણ પ્રજાને સારી પેઠે થઈ છે. આજે ફરી એક વખત રાજકોટ પોલીસનો ખરડાયેલો ચહેરો ઉઘાડો પડી ગયો હતો. TRP હત્યાકાંડ મામલે પૂર્વ ટીપીઓ સાગઠિયાનો નાર્કો ટેસ્ટ કરવાની માંગણી સાથે પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા કૉંગ્રેસી અગ્રણીઓને કમિશનર બ્રજેશકુમાર ઝાએ હડધૂત કરીને ‘ગેટ આઉટ’ જેવા અપમાનજનક શબ્દો સૂણાવી દીધાં હતાં અને તેમણે મીડિયા માટે પણ અસ્સલ હિટલરના અંદાજમાં પ્રવેશબંધી ફરમાવી દીધી હતી. ભ્રષ્ટ ટીપીઓ સાગઠિયા સામે નતમસ્તક થઈ ગયેલી રાજકોટ પોલીસને આજે જનતાના પ્રતિનિધિ ગણાતાં મીડિયા સામે જબરું શૂરાતન ચડ્યું હતું.
- Advertisement -
ખાસ કરીને રાજકોટના પૂર્વ ધારાસભ્ય આર. ડી. ક્રાઈમ બ્રાન્ચે સાગઠિયાને મળવા ગયા હતાં- એ વાત ફેલાઈ જતાં નેતાઓ અને પોલીસ અધિકારીઓ બરાબર ગીન્નાયા હતાં. તેમણે ઉત્તમ કામગીરી કરીને જવાબ આપવાને બદલે વિપક્ષ અને મીડિયાને ગળાચીપ દેવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. પોલીસ કમિશનરના આ નિર્ણયથી મીડિયા જગતમાં, વિપક્ષમાં અને સામાન્યજનમાં પણ ભારે રોષની લાગણી ફેલાઈ છે અને એ સ્પષ્ટ થઈ ગયું છે કે પોલીસ-સરકાર ભયંકર સત્ય છૂપાવી રહી છે.
TRP ગેમઝોન હત્યાકાંડ મામલે ભાજપના ભારાડી નેતાઓની સંડોવણી ખૂલતાં સરકાર-પોલીસને મરચાં લાગ્યા
મીડિયા-વિપક્ષ સામે જેવી સખ્તાઈ પોલીસ કમિશનર દાખવી રહ્યાં છે – તેવી સાગઠિયા પર કરી હોત તો અત્યાર સુધીમાં દરેક પાપીયાઓનાં નામ બહાર આવી ગયા હોત
- Advertisement -
સાગઠિયાને જમાઈની જેમ સાચવ્યો, તેની પાસેથી કોઈ જ માહિતી કઢાવી ન શક્યા અને હવે નિષ્ફળતા માટે મીડિયાને આડકતરી રીતે જવાબદાર ઠેરવે છે
સાગઠિયાની ઉલટતપાસ જ નથી થઈ, પોલીસે છાવર્યો
લોકોનું સ્પષ્ટ માનવું છે કે, પૂર્વ ટી.પી.ઓ. સાગઠિયાની પોલીસે પૂછપરછ જ કરી નથી. પોલીસ ધારે તો કોઈપણ રીઢા ગુનેગારને દસ મિનિટમાં પોપટ બનાવી દે. સાગઠિયાનો કબ્જો રાજકોટ પોલીસ પાસે દિવસો સુધી હતો. એ સમયે સાગઠિયાને ઊંધો લટકાવીને નીચે નાનું તાપણું કર્યું હોય તો એ બધું તોતાની માફક બકી ગયો હોય. વાસ્તવિકતા એ છે કે, પોલીસને ખૂદને જ સત્ય જાહેર કરવામાં રસ નથી. કારણ કે, સત્ય એટલું ભયાનક છે કે, જો બહાર આવે તો ભલભલાના રોટલાં અભડાઈ જાય તેમ છે.