કળિયુગની શરૂઆત થઈ ચૂકી જેમાં શ્રી કૃષ્ણએ કરેલી ખાસ
5 વાતો લોકો સમક્ષ રજૂ કરી જાગૃત્તિ લાવવા પ્રયાસ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
રાજકોટની નાટ્યપ્રેમી જનતા માટે ટીમ નાટ્યમ અને શેર વિથ સ્માઈલ એનજીઓએ ગત વર્ષે ઓક્ટોબર માસમાં ‘ધર્મગાથા’ નાટક સફળતાપૂર્વક રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મહાભારતના પ્રસંગો રજૂ કરી સમાજની હાલની સમસ્યાઓ મુજબ માનસિક તણાવ અને તેનો ઉકેલ આપણા સાંસ્કૃતિક ગ્રંથોમાંથી જ મળી શકે છે તે વાતનું પ્રમાણ પૂરૂં પાડ્યું હતું. આ પ્રથમ ચરણને મળેલા બહોળા પ્રતિસાદ બાદ ફરી એક વખત આગામી તા. 7ના રોજ હેમુ ગઢવી હોલ ખાતે ધર્મગાથા: દ્વિતીય ચરણ રજૂ કરવા જઈ રહ્યું છે. જેમાં પ્રથમ ચરણના પ્રસંગો સાથે આજની પેઢીને જાણવા, શીખવા અને સમજવા લાયક પ્રસંગો ઉમેરી, બહુ ઓછા સાંભળ્યા કે વાંચ્યા હોય તેવા પ્રસંગોનો સમાવેશ કરી નાટ્યકલાના નવા યુગને ફરી ઉજાગર કરવામાં આવનાર છે. આજની યુવા પેઢી પશ્ર્ચિમી સંસ્કૃતિ સાથે આગળ તો વધી રહી છે પરંતુ તેના કારણે કેટલીક વખત યુવા પેઢી ઉપર તેની ઉંધી અસર પણ જોવા મળે છે ત્યારે મહાભારતના કેટલાક મહત્ત્વના પ્રસંગો આજની યુવા પેઢીને જાણવા અને સમજી જીવનમાં ઉતારવા જરૂરી છે તેવા પ્રસંગોને નાટયના રૂપમાં દર્શાવવા તેમજ આજની જનરેશનમાં ધર્મગાથાનું સિંચન થાય તે માટે એક અનોખો પ્રયાસ ટીમ નાટ્યમના યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
- Advertisement -
રાજકોટમાં ‘ટીમ નાટ્યમ’ અને ‘શેર વિથ સ્માઈલ’ એનજીઓ દ્વારા નાટ્યકલાને ફરી એક નવો રાહ બતાવવાના પ્રયાસથી ટીમ નાટ્યમના યુવાનો દ્વારા ધર્મગ્રંથો આધારે નાટકો રજૂ કરવાનો નિર્ણય લીધો છે. ધર્મગાથા-નાટ્યકલાનો નવો યુગ એ એક એવો નાટ્ય પ્રોજેક્ટ છે જેમાં મહાભારત જેવા ધર્મગ્રંથોના એવા પ્રસંગો પેશ કરવામાં આવી રહ્યા છે જેના ઉલ્લેખ વધુ ન થતા તે સમાજના મોટા વર્ગ સુધી પહોંચવામાં અસફળ રહ્યા છે. ‘ધર્મગાથા’ આગામી 7 ને રવિવારના રોજ રાત્રે 9 વાગે હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ, રાજકોટ ખાતે પ્રસ્તુત કરવામાં આવશે. જેમાં પ્રોફેશનલ કલાકારોનો સમાવેશ રહેશે અને રાજકોટના નામી-અનામી લોકો મહેમાન સ્વરૂપે પધારી આ નાટકની શોભા વધારશે. આ નાટકના ડિરેકટર દેવર્ષિ હરેશભાઈ પંડ્યા, કો-ડીરેકટર દુર્ગેશસિંહ જાડેજા, ક્રિએટીવ ડિરેકટર હર્ષ પંડ્યા અને લેખિકા હીના યાજ્ઞિક સાથે રાજકોટના 15થી 20 નામી કલાકારો દ્વારા આ નાટક ભજવવામાં આવનાર છે જેનો મૂળ ઉદ્દેશ સમાજમાં ધર્મરક્ષણ અને ગીતાજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આજરોજ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે દેવર્ષિ પંડ્યા, હર્ષ પંડ્યા, દુર્ગેશસિંહ જાડેજા, ધ્વનિ ગાંધી, રોનકગીરી ગોસ્વામી, હર્ષ કુબાવત આવ્યા હતા.



