શિક્ષણને ગુણવત્તાલક્ષી કરવા શાળાઓમાં વ્યવસ્થાઓ ઊભી કરાઇ: કલેકટર
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.28
- Advertisement -
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના વનાણા અને પીપળીયા ગામે કલેક્ટર કે.ડી. લાખાણીએ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહી પ્રવેશપાત્ર ધો.1 અને બાલવાટિકાના બાળકોને પ્રવેશ આપ્યો હતો.પીપળીયા ગામે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં બાળકોએ ભાવમય રીતે પ્રાર્થના રજૂ કરી હતી.કલેકટર સહિતના મહાનુભાવનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોરબંદરના કલેકટર કે.ડી.લાખાણીએ શાળામાં વાલીઓને નિયમિત શાળાની મુલાકાત લેવા અને પોતાના બાળકોની પ્રગતિ અંગે દેખરેખ રાખવા જણાવ્યું હતું. શિક્ષકોને પણ જરૂરી માર્ગદર્શન આપી શ્રેષ્ઠ નાગરિક ના ઘડતર માટે શિક્ષકની ભૂમિકા ખૂબ અગત્યની છે તેમ જણાવી રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમને લીધે ડ્રોપ આઉટ રેસિયો ઘટ્યો છે
અને આજે પહેલા કરતા વધારે શાળાઓમાં ટેકનોલોજીના ઉપયોગ સાથે માળખાગત વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું. જીવનમાં પ્રગતિ માટે શિક્ષણ જરૂરી છે તેમ જણાવી કલેકટર શ્રીએ નવા પ્રવેશપાત્ર ભૂલતાઓના ઉજ્વળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.પીપળીયા ઉપરાંત વનાળા પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલેક્ટરએ ઉપલબ્ધ વિવિધ શૈક્ષણિક માળખાગત વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી અને વિજ્ઞાન ટેકનોલોજી વિષય આધારિત લેબનું ઉદઘાટન કર્યું હતું.કલેકટરની સાથે પ્રાંત અધિકારી સંદીપ જાદવ અને શાળાના આચાર્યો શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.