જગદીશ આચાર્ય
રાજકોટમાં સોમવારે સાંજે કિશનપરા ચોકમાં ફરજ બજાવી રહેલા એક મહિલા પોલીસે માસ્ક પહેર્યા વગર ગાડીમાં ટહેલવા નીકળેલા રવિન્દ્ર જાડેજા અને તેના પત્ની રિવાબાને રોક્યા.
એ મહિલા પોલીસને કાયદાનું જ્ઞાન નહીં હોય.એમને એ ખબર નહીં હોય કે કાયદા બાયદા તો તુચ્છ મચ્છરો જેવા આમ નાગરિકો માટે હોય છે. દંડ અને દંડાનો ઉપયોગ કરવાની મંજૂરી બંધારણે અલબત્ત આપી છે પણ એ તો સામાન્ય જનતા માટે.ત્યાં છૂટથી એ સતાનો ઉપયોગ કરી શકાય પણ જો જ્યાંને ત્યાં ગાડીઓ રોકવા લાગો તો પછી બેભાન થઈ જવું પડે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ નિયમ અંગે ફિલ્ડમાં ફરજ બજાવતા નીચલી હરોળના પોલિસ કર્મચારીઓને પ્રશિક્ષિત કરવા જોઈએ.એમને સામાન્ય જનતા અને સેલિબ્રિટી વચ્ચેનો ભેદ સમજાવવો જોઈએ.જેથી પોલીસનું સ્વમાન જળવાય,પોલીસનો જુસ્સો ઝળહળતો રહે અને સેલિબ્રિટીઓના ગુસ્સાથી ગભરાઈને રસ્તા વચ્ચે મૂર્છા આવી જવાની ઘટનાને ટાળી શકાય.
વાત એમ છે કે એક મહિલા પોલીસે માસ્ક પહેર્યા વગર નીકળેલા રવિન્દ્ર-રિવાબાને રોક્યા. ઓહો!આ ગુસ્તાખી તે કેમ સહન થાય. દેશમાં કાયદા કાનૂન જેવું કાંઈ છે કે નહીં? પેલા લોકોનું સ્વમાન ખળભળી ગયું. પોલીસને ખખડાવી નાખ્યા. એવા તે ખખડાવ્યા કે આખું પોલીસખાતું થરથર થરથર ખળભળી ગયું. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોતાના હજાર કામ પડતાં મૂકીને કિશાનપરા ચોકમાં એક શ્વાસે દોડી ગયા.ઘણી ખમ્મા સાહેબો! આપની સતર્કતાને. આપની ફરજનિષ્ઠાને.(નહીંતરતો 100 નંબર ઉપર ફોન કર્યો હોય તો પણ દોડી જવાની ક્યાં ફૂરસદ હોય છે પોલીસને.) આપના જેવા અધિકારીઓ હોય પછી કોઈની દેન છે કે સેલિબ્રિટીઓનો વાળ પણ વાંકો થાય.
તો દોડી ગયેલા ઉચ્ચ અધિકારીઓએ શું કર્યું? અખબારો લખે છે કે મામલો થાળે પડ્યો.વાહ! સલામ સાહેબો. આ બહાદુરીનું ક્યાંય જોટો મળે?
મામલો થાળે પડ્યો એટલે શું? કેવી રીતે થાળે પડ્યો? માસ્ક ન પહેરવા બદલ 500ની પાવતી ફાડી? પોલીસની ફરજમાં રુકાવટ બદલ ગુનો નોંધ્યો? ગાડીના કાગળ બાગળ માંગ્યા?
સામાન્ય જનતા હોય તો આવી કડકોકડક કામગીરી કરવા માટે જાબાંઝ પોલીસ મશહૂર છે. આવી બધી કલમો પણ ઠોકે અને ઉપરથી લીમડે પણ બાંધે. પણ અહીંતો વિનયશીલ પોલીસે મામલો થાળે પાડી દીધો.
શું કહ્યું હશે સાહેબોએ?
“સોરી,માફ કરો, આ મહિલા પોલીસ આપને ઓળખતા નહોતા.જવા દો.. મન મોટું રાખો..” જવા દીધા. મામલો થાળે પાડી દીધો.ગર્વભેર થાળે પડ્યો. વટથી થાળે પાડ્યો, પુરેપુરા ખાખી ડ્રેસમાં સજ્જ થઈને થાળે પાડ્યો. પોલીસ થાળે પાડે પછી એમાં કાંઈ ઘટે નહીં. મામલો એવો થાળે પાડ્યો, કહે છે કે મહિલા પોલીસને બી.પી. લો થઈ જતાં રસ્તા પર જ મૂર્છા ખાઈને ઢળી પડ્યા. સામાન્ય રીતે આવા કિસ્સામાં ઢળી પડવાનું ગરીબડી જનતાના ભાગે આવતું હોય છે પણ અહીં ચિત્ર જરા ઊંધું થઈ ગયું.
અખબારી અહેવાલો તો એવું પણ કહે છે કે આ પવિત્ર ઘટના આમ જનતા નિહાળી ન શકે એટલે પોલીસે એક હોટેલના સી.સી.ટી.વી.ફૂટેજ પણ હાથવગા કરી લીધા. ઈજ્જતકા સવાલ હૈ યારો! પોલીસને પણ આબરૂ હોય છે. અહીં
વ્યક્તિ તરીકે રિવાબા કે રવિન્દ્ર મહત્ત્વના નથી. કોઇપણ વગદાર વ્યકિત સામે હોય ત્યારે ઉપરના દબાણના કારણે પોલીસના હાથ બંધાઇ જાય છે. દોષ પોલીસનો નથી, દોષ સિસ્ટમનો છે.
બાય ધ વે-રિવાબા પોલીસ દ્વારા નિયુક્ત કોરોના વોરિયર હતા. લોકડાઉન વચ્ચે પણ માંડવા બાંધી પોલીસે જાજરમાન ફુંક્શન કર્યું હતું અને હા! રિવાબા આજે પણ પોલીસ અધિકૃત કોરોના વોરિયર છે જ!