નિયમ મુજબ બેકઅપ રાખવા પણ એસ.પી.એ આપી સુચના
ખાસ ખબર – પોરબંદર,
- Advertisement -
પોરબંદર જિલ્લાના જુદા-જુદા પોલીસમથકોમાં સીસીટીવી કેમેરા બંધ હોવાની સ્થિતિ અંગે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદમાં પોરબંદરના એસ.પી. ભગીરથસિંહ જાડેજાએ સખત કાર્યવાહી કરી છે. તેમણે તમામ પોલીસમથકના સીસીટીવી કેમેરા ચાલુ રાખવા અને નિયમ અનુસાર રેકોર્ડિંગ અને બેકઅપ સાચવવાની સુચના આપી છે. સુપ્રીમ કોર્ટના તા. 2-3-2020ના આદેશ અનુસાર, તમામ પોલીસ સ્ટેશનોની અંદર 18 મહિના સુધીનું સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ સુરક્ષિત રાખવું આવશ્યક છે. ગુજરાત પોલીસ વડાની તા. 4-1-21ની એસ.ઓ.પી.ના આધારે પણ આ આદેશની પુષ્ટિ કરવામાં આવી હતી.
આર.ટી.આઈ એક્ટિવિસ્ટ દિનેશ માંડવીયાએ આ મુદ્દે આર.ટી.આઇ.ના માધ્યમથી માહિતી મેળવી પોરબંદરના એસ.પી.ને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને અનુસંધાને, તા. 7-5-2024ના રોજ પોરબંદર જિલ્લાના તમામ પોલીસમથકોને પરિપત્ર મોકલીને કે જે કેમેરા બંધ છે, તેમને તરત જ ચાલુ કરવાના અને નિયમોનુસાર બેકઅપ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે.આમ છતાં, હકીકતે ઘણી જગ્યાએ આ આદેશોનું પાલન થતું ન હોવાથી અને ઘણા પોલીસમથકોમાં સીસીટીવી કેમેરા મહિનાઓથી બંધ હોય, એસ.પી.એ કડક હુકમ દ્વારા તમામ કડીઓનું પાલન કરાવવા સુચના આપી છે. પોરબંદરના તમામ પોલીસમથકોમાં હવે સીસીટીવી કેમેરા ચાલુ રહેશે અને તમામ રેકોર્ડિંગ નિયમ મુજબ જાળવાશે તે સુનિશ્ચિત કરવામાં આવશે.